મોરબી:- મોરબી નગરપાલિકામાં આજે કોંગ્રેસ દ્વારા સદબુદ્ધિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દ્વારા તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા પાલિકામાં ભાજપની સત્તા હતી ત્યારે જુદા જુદા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. તેની માહિતી છેલ્લા પાંચ મહિનાથી માગવામાં આવે છે તો પણ માહિતી આપવામાં ન આવતી હોવાથી જેથી કરીને મોરબી પાલિકા કચેરીના પંટાગણમાં આજે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કહી શકાય તેવો સદબુદ્ધિ હવન કરવામાં આવ્યો હતો.
મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજાએ કહ્યું હતું કે છેલ્લી પાલિકાની ચૂંટણીમાં 52 એ 52 સભ્યો ભાજપના હતા ત્યારે નંદીઘર ખર્ચની વિગતો આવાસ યોજનાના ખર્ચની વિગતો અને કલમ 45 ડી હેઠળ કરેલા કામોના ખર્ચની વિગતો માંગી છે. પણ પાલિકામાંથી માહિતી આપેલ નથી. જેથી લોકોની સમક્ષ સત્ય આવતું નથી, અને અધિકારીઓ કોંગ્રેસને માહિતી ન આપીને સત્યને લોકોની સામે આવવા દેતા નથી.
ચીફ ઓફિસરે શું કહ્યું...
નગરપાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ પત્રકારોને જણાવ્યું હતું કે હાલમાં કોંગ્રેસના આગેવાનોએ જે માહિતી માગેલ હતી તે આરટીઆઇ હેઠળ માહિતી માગવામાં આવેલ ન હતી જેથી માહિતી આપવામાં આવી નથી જો યોગ્ય રીતે આરટીઆઇ હેઠળ માહિતી માગવામાં આવશે તો માહિતી આપી દેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું.