ગાંધીજયંતીના અવસરે રૂ.3.5 લાખના ખર્ચે સેન્ડસ્ટોનની નવી પ્રતિમા બનાવીને લોકપર્ણ કરાયું
મોરબી : મોરબીના ગાંધીબાગ ખાતે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 70 વર્ષ પહેલાં મુકાયેલી ગાંધીજીની પ્રતિમા બે વખત ખંડિત થઈ જતા મહાનગરપાલિકાએ રૂ.3.50 લાખના ખર્ચે સેન્ડસ્ટોનમાંથી નવી પ્રતિમાનું નિર્માણ કર્યું છે અને આજે ગાંધીજયંતીના અવસરે આ નવી પ્રતિમાનું મહાનગરપાલિકાએ લોકપર્ણ કરી ફુલહાર અને પુષ્પાજલી અર્પણ કરીને મહાત્મા ગાંધીજીની ભાવવંદના કરી હતી.
મોરબીના ગાંધીબાગમાં વર્ષ 1954ની આસપાસ મહાત્મા ગાંધીજીની પૂર્ણ કદની સફેદ વીરાટ પ્રતિમા મુકવામાં આવી હતી. પરંતુ વચ્ચેના સમયગાળામાં આકસ્મિક સંજોગોમાં માહાત્મા ગાંધીજીની પ્રતિમા બે વખત ખંડિત થઈ હતી. આથી મહાત્મા ગાંધીજીની નવી પ્રતિમા બનાવવાની જરૂરિયાત ઉભી થતા અંતે મોરબી મહાનગરપાલિકાએ એક માસની મહેનતને અંતે રૂ.3.50 લાખના ખર્ચે સેન્ડસ્ટોનમાંથી નવી પ્રતિમા તૈયાર કરાવી હતી. આશરે 70 વર્ષ બાદ ગાંધીજીની નવી પ્રતિમા તૈયાર થતા આજે ગાંધીજયતીના અવસરે કોર્પોરેશને ગાંધીબાગમાં જૂની પ્રતિમાના સ્થાને 6 ફૂટની ગાંધીજીની નવી પ્રતિમા મૂકી હતી. આ તકે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર સંજય સોની અને મહાપાલિકાના અન્ય સ્ટાફે બાપુની નવી પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી વિધિવત પૂજા અર્ચન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે મનપાએ ગાંધીબાગમાં ગાંધીજીની દાંડીકૂચ, સ્વચ્છતા સહિતની થીમ આધારીત અદભુત વોલ પેઇન્ટિંગ કરાવ્યું છે. સ્વચ્છતાની વોલ પેઇન્ટિંગ સ્પર્ધાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિજેતાઓને તેમજ સફાઈની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીને પણ સન્માનિત કર્યા હતા.