મૃત્યુ પછી અંગદાનથી અન્યોને નવી જિંદગી આપવા અને દેહદાનથી ભાવિ તબીબોને શસ્ત્રક્રિયા માટે શીખવા મળે એ માટે યંગ ઇન્ડિયા ગ્રુપની મુહિમ
મોરબી : ઘણા માણસોને જીવનમાં જીવનનો જંગ લડતા લડતા અણધાર્યા મોડ આવે છે. ખાસ કરીને ઘણીવાર જીવનના મઝધારમાં કિડની, લીવર જેવા મહત્વના અંગો ધબકતા બંધ થઈ જાય તો શ્વાસ ખૂટી જાય છે. આવા અણધાર્યા મોડ પર કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવાર તુરંત એમના અંગોનું દાન કરે તો ઘણી જિંદગી બચી શકે એમ હોય હમણાં જ મોરબીના એક પરિવારે આ દિશામાં જાગૃતિ લાવવાની પ્રેરણાદાયી પહેલ કરી છે. જેમાં મોરબીમાં એક સુખી સંપન્ન પરિવારે અન્યોને નવી જિંદગી આપવા તાજેતરમાં મૃત્યુ પામેલા 61 વર્ષીય સ્વજનના ત્રણ મહત્વના અંગોનું દાન કરીને અંગદાનની જાગૃતની ચિનગારી પ્રગટાવી છે. જો કે આ પહેલા યંગ ઇન્ડિયા ગ્રુપે અંગદાન અને દેહદાનની રીતસરની મુહિમ છેડી છે. યંગ ઇન્ડિયા ગ્રુપે અનેક સામાજિક અને સેવાકીય કાર્ય કરતું હોવાથી ઘણા સમય પહેલા આ સંસ્થાને ધ્યાને આવ્યું હતું કે, આજની ભાગદોડભરી જીવનશૈલીમા ઘણા લોકો કિડની, લીવર, હૃદય જેવી ગંભીર બીમારીનો શિકાર હોય આવા લોકોને સમયસર કોઈ મૃત્યુ પામેલા વ્યક્તિઓના તરત જ અંગોના દાનથી અત્યાધુનિક તબીબી ચિકિત્સા અને ટ્રાન્સપ્લાન્ટ કરાઈ તો એ વ્યક્તિને નવજીવન મળતા તેની સાથે એના ઘરમાં ખુશીઓની રોનક છવાઈ જાય એમ છે. આથી જરૂરત છે લોકોને રક્તદાનની જેમ અંગદાન અને દેહદાન કરવા માટે જાગૃત કરવાની. તેથી જ્ઞાતિ જાતિના તમામ બંધનોથી ઉપર ઉઠી માત્ર માનવતા જ સર્વોપરીનો ધ્યેય માનીને યંગ ઇન્ડિયા ગ્રુપે અન્ય સામાજિક અને સેવાકીય કાર્યોની જેમ આ કાર્યને પણ એક સામાજિક ઉત્તરદાયિત્વની જેમ ઉપાડી લીધું, ગ્રુપના કાર્યકરોએ ખાસ તો આજની પેઢી એટલે શાળા કોલેજો સહિતના યુવાનોને મૃત્યુ પછી અંગદાન તેમજ દેહદાન કરવા પ્રેરિત કર્યા અને જોતજોતામાં આ ગ્રુપની જાગૃતિ ભારે રંગ લાવી છે. છેલ્લા ચાર વર્ષમાં યંગ ઇન્ડિયા ગ્રુપે ચલાવેલા આ મિશનથી આશરે 4500 જેટલા લોકોએ અંગદાન અને દેહદાન કરવાનો સંકલ્પ લીધો છે. જેમાં મોટાભાગના યુવાનોનો સમાવેશ થાય છે. યુવા પેઢીમાં સ્વભાવિક રીતે એઇજ પ્રમાણે નવો તરંગ, જોશ, ઉમંગ હોવાથી મોજ મસ્તી ભરપૂર હોય પણ આ યંગ જનરેશનને યોગ્ય દિશા સૂચન અને હકારાત્મક ઉર્જા સાથે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તો એ દેશ કે સમાજના હિત માટે બનતું તમામ કરી છૂટે છે. આ રીતે યુવાનોને અંગદાન અને દેહદાન કરવા માટે પ્રેરિત કરવાના અશક્ય કામને પણ યંગ ઇન્ડિયા ગ્રુપે શક્ય કરી બતાવ્યું છે.
ક્રાંતિવીર ભગતસિંહના જન્મદિવસ અને શહીદ દિવસે ચલાવતું મિશન
ક્રાંતિકારી શહીદ ભગતસિંહે દેશની આઝાદી માટે હસતા હસતા પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. એમના બલિદાન થકી આપણને મળેલી આઝાદીનું મૂલ્ય સમજીએ અને ખાસ તો બલિદાનનો ઉદ્દેશ્ય વ્યર્થ ન જાય એ માટે લોકોમાં સતત વતન પ્રત્યેનો પ્રેમ ધબકતો રાખવા એમના શહીદ દિન અને જન્મદિવસે દરેક નાગરિક ભલે તેમના જેવું બલિદાન ન આપી શકે કે દેશની સરહદની રક્ષા એટલે માતૃભૂમિની રક્ષા માટે દેશના વીર જવાનોની જેવી કઠિન ફરજ ન નિભાવે તો પણ એક આદર્શ નાગરિક બને એ પણ એક રીતે દેશભાવના ગણી શકાય. એટલા માટે જ મોરબીમાં શહીદ ભગતસિંહના શહીદદીને કે જન્મદિવસે દર વર્ષે અંગદાન અને દેહદાનની જાગૃતિનું મિશન ચલાવવામાં આવે છે. આ દિવસે યુવાનો બીજાની જિંદગી બચાવવા માટે અંગદાન તેમજ ભાવિ તબીબોને શીખવા માટે દેહદાન કરવાના સંકલ્પ લે છે અને આ મુહિમ દર વર્ષે ભગતસિંહના શહીદદીને કે જન્મદિવસે ચાલુ જ રહેશે.
- દેવેનભાઈ રબારી યંગ ઇન્ડિયા ગ્રુપના ફાઉન્ડર
સંકલ્પ કહેવા પૂરતો નહિ જીવન બચાવવાનો છે
અંગદાનનો સંકલ્પ લેનારા યુવાનોએ માત્ર કહેવા પૂરતો સંકલ્પ લીધો નથી. કાયદેસરના ડોનેટના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. એટલે કહેવા પૂરતો નહિ પણ હકીકતમાં કોઈકના જીવન બચાવવાના ઉદ્દેશ્યથી આ દ્રઢ સંકલ્પ લીધો છે. આમ પણ આપણી શાસ્ત્રોક્ત પરંપરા મુજબ મૃત્યુ પછી નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય છે. એના પહેલા અમારા આ અંગોના દાનથી કોઈની જિંદગી બચે અને એના પરિવારમાં ફરીથી ખુશીઓ આવે અને અમે મૃત્યુ પછી બીજામાં જીવિત રહીશું આવું આ જન્મમાં સૌભાગ્ય પ્રાપ્ત થાય તો એનાથી એકેય વિશેષ કાર્ય જ ન હોઈ શકે.
-દિલીપભાઈ દલસાણીયા