Tuesday - Feb 10, 2026

મોરબી જિલ્લાના વધુ એક ગામમાં હેવી વિજલાઈન નાખવા સામે ખેડૂતોની ચળવળ

મોરબી જિલ્લાના વધુ એક ગામમાં હેવી વિજલાઈન નાખવા સામે ખેડૂતોની ચળવળ

માળિયા (મી.)ના નાની બરાર ગામે હેવી વીજલાઈન સામે ખેડૂતોએ વિરોધ કરી કલેક્ટરને આવેદન આપી તેમના ખેતરને બદલે બંજર કે દરિયાઈ પટ્ટીનો રૂટ પસંદ કરવાની માંગ કરી

મોરબી : મોરબી જિલ્લામાં ખાનગી કંપનીઓ મનમાની ચલાવી ખેતરોમાં જાણ કર્યા કે વળતર આપ્યા વગર વિજપોલ નાખી દેતા હોવાથી ખેડૂતો આવી કંપનીઓની દાદાગીરી સામે જબરદસ્ત લડત ચલાવી રહી છે. ખાસ કરીને હમણાં જ હેવી વીજલાઇન મુદ્દે કંપનીઓ અને સરકારી તંત્ર તેમજ સરકારની આકરી ઝાટકણી કાઢી ખેડૂત નેતાઓએ ટંકારામાં ખેડૂતોની મહાસભા સંબોધી ખેડૂતોની ઐતિહાસિક જંગી ટ્રેકટર રેલી કાઢી હતી. આમ છતાં ખાનગી કંપનીઓની મનમાની ચાલુ રહેતા અને સરકારે કોઈ કાર્યવાહી ન કરતા અંતે મોરબી જિલ્લામાં વધુ એક ગામમાં વીજલાઇન નાખવા સામે ખેડૂતોએ ચળવળ શરૂ કરી છે. જેમાં માળિયા મિયાણા તાલુકાના નાની બરાર ગામના ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને પાવર ગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવી રહેલી હેવી વીજલાઈનનો સખત વિરોધ કરી ખેતીની ફળદ્રુપ જમીનમાંથી 765 કેવીની લાઈન પસાર કરવાને બદલે બંજર કે દરિયાઈ પટ્ટીનો રૂટ પસંદ કરવાની માંગ કરી છે.

મોરબી જિલ્લાના વધુ એક ગામમાં હેવી વિજલાઈન નાખવા સામે ખેડૂતોની ચળવળ

માળીયાના નાની બરારના ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, માળીયામાં એક તો સિંચાઇની અપૂરતી સુવિધા હોય અને વરસાદ આધારિત ખેતી હોય અને ઉપરથી આ ખેડૂતો સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા નિરક્ષર હોય આવા સંજોગોમાં ખેતી જ તેમના માટે આજીવિકાનું સાધન હોય પણ હવે આ આજીવિકા રિલાયન્સ કંપનીની દાદાગીરીથી છીનવાઈ જાય તેવી સ્થિતિ સામે આવી છે. જેમાં ખેડૂતોને રિલાયન્સ કંપનીની બ્રાન્ચ ઓફિસથી જાણ કરાઈ છે કે, તેમના સર્વે નંબરની અતિ ફળદ્રુપ જમીન પરથી 765 કેવીની હેવી વીજલાઈન પસાર થવાની છે. આ માટે કંપનીએ મંજૂરી આપી દીધી છે, પરંતુ જમીન માલિકો એટલે ખેડૂતોને હક્કની જમીન હોય તેમની ખેતીની જમીનમાંથી આ હેવી વિજલાઈન કાઢવાની પૂછવાની પણ તસ્દી લીધી નથી. આથી ખેડૂતોએ વેદના ઠાલવી હતી કે, તેઓ રાષ્ટ્રના વિકાસના વિરોધી નથી. પણ આ દેશ કૃષિપ્રધાન હોય વિકાસ ખેતીના ભોગે તો ન જ થવો જોઈએ. કોઈ ખાનગી કંપનીના હિત માટે સામાન્ય ખેડુતોના હક્કની ખેતી ઉપર તરાપ મારવી એ કોઈ કાળે યોગ્ય નથી. આ લોકશાહી વિરુદ્ધનું કાર્ય કહી શકાય. આથી ખેડૂતોએ તેમની આજીવિકા છીનવાઈ ન જાય એ માટે તેમની ખેતીની ફળદ્રુપ જમીનને બદલે અન્ય બંજર જમીન, ખરાબાની જમીન કે દરિયાઈ પટ્ટી વાળા વિસ્તારમાંથી આ વીજલાઈન પસાર કરવામાં આવે, તેવી માંગ કરી છે.