Saturday - May 16, 2026

મોરબીમાં 3 લાખ 30 ટકાના વ્યાજે આપી 9 લાખ પડાવ્યા છતાં પઠાણી ઉઘરાણી

મોરબીમાં 3 લાખ 30 ટકાના વ્યાજે આપી 9 લાખ પડાવ્યા છતાં પઠાણી ઉઘરાણી

યુવાન પાસેથી વધુ નાણાં પડાવવા બે વ્યાજખોરોએ ધમકીઓ આપી હોવાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાં વ્યાજખોરો જાણે બેફામ બન્યા હોય તેમ એક યુવકને રૂ.3 લાખ 30 ટકાના વ્યાજે આપ્યા બાદ રૂ.9 લાખ વસૂલી લીધા હોવા છતાં પણ યુવકને ધમકીઓ આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. એ ડિવિઝને બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં નીતિન પાર્કમાં મોમ્સ હોટેલની પાછળ રહેતા ચેતનકુમાર કાંતીલાલ થોરીયા ઉ.વ.૩૫એ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે ટીનાભાઇ ઉર્ફે વરૂણભાઇ જીવણભાઇ જીલરીયા અને ભાવેશભાઇ રબારી પાસેથી તેમના ભાઈએ દોઢેક વર્ષ પહેલા ત્રણ લાખ રૂપીયા ૩૦ ટકાના દરે વ્યાજે લીધેલ હતા અને રૂ.9 લાખ જેટલુ વ્યાજ આપી પણ દીધું હતું. દર માસે રૂ.90 હજાર વ્યાજના આપેલા તેમ છતા આરોપીને રૂ.3 લાખના 5 ટકા વ્યાજ ચુકવી આપવાનું દબાણ કરી તેની અવેજીમા બેન્કનો રૂ.3.5 લાખનો ચેક લખી આપ્યો હતો. બાદમાં આરોપીએ તેમના ભાઈને અલગ અલગ જગ્યાએ બોલાવી ગાળો આપી અને તા.14એ ઘર પાસે જઇ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે બન્ને વ્યાજખોરો વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે હાલ પીએસઆઈ સી.એસ.સોંદરવા તપાસ ચલાવી રહ્યા છે.