મોરબી જિલ્લા કલેકટરે પાલિકામાં તાકીદે બેઠક યોજી આળસુ સ્ટાફને ફરજનું ભાન કરાવ્યું
કલેકટરે પાલિકાના સ્ટાફને તમે કામ કરતા ન હોય લોકો મારી પાસે આવે તે કોઈ કાળે ચલાવી નહિ લેવાયનું કહી હવે પછીથી એકપણ ફરિયાદ ન આવી જોઈએ તેવી સૂચના આપી
મોરબી : ઝૂલતાપુલ કેસમાં મોરબી નગરપાલિકાની ભાજપની બોડી ઘણા સમય પહેલા ઘરભેગી થયા બાદ વહીવટીદાર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસરના હવાલે આવેલો નગરપાલિકાનો વહીવટી કથળી ગયો છે. કારણ કે આ અધિકારીઓ હાજર જ રહેતા નથી. એટલે પાલિકામાં તમામ સ્ટાફને કોઈ કહેવાવાળું કે ટોકવાવાળું જ રહ્યું નથી. તેથી પાલિકાનો સ્ટાફ લોકોની એકપણ ફરિયાદનો નિકાલ કરતો ન હોય અને આળસુ બની જતા છેલ્લા છ મહિનાથી નગરપાલિકામાં ફરિયાદોનો ઢગલો થયો છે. આથી બધી ફરિયાદો કલેકટર સુધી પહોંચી ગઈ હતી. આથી જિલ્લા કલેકટર કિરણ્ ઝવેરીએ પાલિકાના આળસુ સ્ટાફને સીધોદોર કરવા નગરપાલિકામાં દોડી જઇ અધિકારીઓ અને તમામ વિભાગના સ્ટાફ સાથે તાકીદની બેઠક કરી તમે કામ કરતા ન હોય એટલે બધી જ ફરિયાદો મારી પાસે આવતી હોય એ ફરિયાદોનો નિકાલ કરવા માટે દોડવું પડે એ યોગ્ય ન કહેવાય અને રોડ, રસ્તા, ઉભરાતી ગટર,લાઈટ બંધ, રખડતા ઢોરનો ત્રાસ, મુખ્ય સફાઈ સહિતની તમામ ઘણા સમયથી આવેલી ફરિયાદોનો નિકાલ કરવાની સ્પષ્ટ સૂચના આપી હતી અને હવે પછી એકપણ ફરિયાદ પેન્ડિગ રહેવી જોઈએ નહીં તેવી પણ કડક સૂચના આપી હતી. જોકે કલેકટરે ચોમાસા પહેલા વરસાદ અને મીની વાવાઝોડા જેવો પવન ફૂંકાતા ખાનાખરાબી થઈ હોય પ્રિમોન્સૂન કામગીરીના આયોજન અંગે પણ સમીક્ષા કરી હતી.