મહેન્દ્રનગરના રહીશોએ પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે મનપામાં હાય હાયની નારેબાજી લગાવી મોરચો માંડ્યો
મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામનો જ્યારે મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ થયો ન હતો. ત્યારે ગ્રામ પંચાયત ગામલોકોને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે પુરી પાડતી હતી. પણ હવે હકીકત જુદી છે. જેમાં આ વિસ્તાર મહાનગરપાલિકામાં ભળતા નવી સુવિધાઓ મળવાની વાત બાજુએ રહી પણ અગાઉ હયાત હતી એ સુવિધાઓ પણ છીનવાઈ ગઈ છે. પહેલા 4 દિવસે પણી આવતું પણ હવે તો છેક 15,-15 દિવસે પાણી આવતું હોવાથી લોકો દુઃખી દુઃખી થઈ ગયા છે. આ તમામ ફરિયાદ સાથે આ વિસ્તારના લોકોએ આજે મનપા કચેરીમાં મોરચો માંડ્યો હતો.
મહેન્દ્રનગર વિસ્તારના સ્ત્રી પુરુષોના ટોળાએ મહાનગરપાલિકા પાલિકામાં ઘસી જઈને હૈયાવરાળ ઠાલવી હતી કે, તેમનો આ વિસ્તાર મહાનગરપાલિકામાં ભળતાની સાથે લોકોની આકરી કસોટી થઈ રહો છે. જો કે મહાનગરપાલિકામાં સમાવેશ થાય એટલે આ ગામનો શહેર જેવો વિકાસ થશે એવી લોકોને આશા હતી. પણ એનાથી ઊલટું જ થયું છે. નવી સુવિધાઓ આપવાને બદલે અગાઉની સુવિધાઓ પણ તરાપ લાગી છે. જેમાં અગાઉ ગ્રામ પંચાયત હતી ત્યારે ગામમાં 4 દિવસે પૂરતા પ્રમાણમાં પાણી આવતું અને યોગ્ય સફાઈ, લાઈટ સહિતની કોઈપણ જાતની તકલીફ ન હતી. પણ મહાપાલિકામાં ભળવાથી મહેન્દ્રનગરમાં 4 દિવસને બદલે 15 દિવસે પાણી આવે છે. પાણી મૂળભૂત જરૂરિયાત હોય પાણી વગર આટલા દિવસો કેમ પસાર કરવા ? એ તો જેણે યાતના વેઠી હોય એ જ જાણે છે. ઉપરાંત અગાઉ કચરા કલેક્શન માટે નિયમિત આવતું વાહન પણ હવે અનિયમિત થઈને 4 દિવસે આવે છે. તેમજ લાઈટો રીપેર કરવામાં આવતી નથી.
મહિલા કર્મચારીનો અજાણ હોવાનો ઢોગ
મહેન્દ્રનગરના રહીશોએ જણાવ્યું હતું કે, મહાપાલિકાએ પોતાનો જે સ્ટાફ પંચાયત કચેરીમાં મુક્યો છે. તેમાં એક મહિલા કર્મચારી છે તેમને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે રજુઆત કરીએ ત્યારે તેઓ મને કંઈ ખબર ન હોવાનું કહી જવાબદારીમાંથી હાથ ખખેરી નાખે છે. જો લોકોના પ્રશ્નો ઉકેલી ન શકે તો અહિયાં આવા કર્મચારીની શુ જરૂર છે. ?
મનપા કરતા ગ્રામ પંચાયત લાખ દરજ્જે સારી હતી
રહીશોએ મનપામાં રજુઆત કરી હતી કે, મહેન્દ્રનગરમાં પ્રાથમિક સુવિધાઓ આપવા માટે અગાઉ રજુઆત કરવામાં કોઈ કસર છોડી નથી.અનેક અરજીઓ કરવા છતાં તેનું નક્કર પરિણામ આવ્યું નથી. આથી મનપા કરતા ગ્રામ પંચાયત લાખ દરજ્જે સારી હતી. કારણ કે બધી જ સમસ્યાનો ગામમાં જ હલ થઈ જતો અને અહીં સુધી આવવું પડતું ન હતું. આથી આ વિસ્તારને મહાનગરપાલિકામાં બાકાત કરી ફરીથી મહેન્દ્રનગર ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવાની માંગ કરી છે.
અધિકારીની જરૂરી તમામ પગલાં લેવાની હૈયાધારણા
મહેન્દ્રનગરના રહીશોએ રજુઆત કરવા મહાપાલિકા કચેરીએ જઈને મહાપાલિકા હાય હાયના નારેબાજી લગાવી હતી. તે સમયે ડેપ્યુટી કમિશનર સંજય સોની મિટિંગમાં હોય તે અંગે જાણ થતાં રહીશોએ મિટિંગમાં જવાનો પ્રયાસ કરતા હાજર સ્ટાફ અને સિક્યુરિટીએ તેઓને અટકાવ્યા હતા. બાદમાં ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ બહાર આવી તેઓની રજુઆત સાંભળીને ડેપ્યુટી એન્જીનીયર અને સેનિટેશનના ઇન્ચાર્જ ત્યાં સ્થળ મુલાકાત લેશે અને જરૂરી કાર્યવાહી કરશે.તેવી ખાતરી આપી હતી