ભગવાન ઠાકરની હેલિકોપ્ટરમાં જાન જોડીને જવાનું આયોજન ખરાબ હવામાનને કારણે પડતું મુકાયું
મોરબી : મોરબીના ખરેડા ગામે હરખનો એવો રૂડો અવસર આવ્યો કે આખા ગામના હૈયામાં ખુશીની કોઈ સીમા રહી ન હતી. આ કોઈ અંત્યત શ્રીમંત પરિવારના પુત્ર કે પુત્રીનો લગ્નનો અવસર ન હતો. પણ આ રૂડો અવસર તો સાક્ષાત ભગવાન ઠાકરના લગ્ન પ્રસંગનો હતો. એટલે કોના હૈયામાં ખુશી ન હોય. એક ખમતીધર પરિવારે તુલસીવિવાહનું ભવ્ય આયોજન કર્યું હતું. એમાં સ્વંયભુ આખું ગામ જોડાઈ ગયું હતું. ગામના અઢારેંય વરણ બે મહિનાથી ઠાકર ભગવાનના ઠાઠમાઠથી લગ્ન કરવા ભારે તૈયારી કરી હતી. આજના હાઈટેક યુગમાં કોઈના દીકરા દીકરીના લગ્ન હોય તો પણ એ બધી જ વિધિઓ વધીને ત્રણ ચાર દિવસમાં આટોપી લેવામાં આવે છે. પણ અહીં તો તૈયારી પુરા બે મહિના સુધી ચાલી હતી અને મોરબીના ખરેડા ગામથી પુત્ર કરતા પણ સવાય રીતે રાજકોટ ખાતે હેલિકોપ્ટરમાં ભગવાન ઠાકરની જાન જોડીને લઈ જવાનો ભવ્ય તામઝામ ગોઠવ્યો હતો. માવઠાને કારણે આદર્યા અધૂરા રહ્યા હતા અને હેલિકોપ્ટરમાં જાન લઈને જવાનું રદ કરાયું હતું. આમ છતાં પણ કારોના મોટા કાફલા સાથે ભગવાન ઠાકરની જાન જોડીને મોટી સંખ્યામાં ગ્રામજનો ગયા હતા.આ બાબતે યજમાન પરિવારે જણાવ્યું હતું કે, ઠાકર ભગવાનનો આ પ્રસંગ દિવ્ય અને ભવ્યતાથી ઉજવાયો હતો. જેમાં પુત્ર કરતા પણ વિશેષ રીતે ફુલેકુ, ગોતેડો,મહેંદી,પીઠી, જાન વિદાય સહિતની લગ્નની બધી જ વિધિઓ ધામધૂમથી કરવામાં આવી હતી અને બે ટાઈમ સમસ્ત ગામને ધુમાડાબંધ જમાડવામાં આવ્યું હતું.જેમાં આશરે 5થી 7 હજાર જેટલા લોકો જોડાયા હતા. કારણ કે ગામના દરેક પરિવારની બહેન-દીકરીઓ અને બહારગામ રહેતા સગાવ્હાલાઓ, સંબંધીઓ, મિત્રોને તેડાવ્યા હતા. જે પુત્ર કે પુત્રીના લગ્નમાં પણ આટલા લોકો ન આવે.