Tuesday - May 19, 2026

હળવદમાં બિલ્ડરે મકાનો વેચાતા આપી પૂરતી સુવિધાઓ આપવાના નામે ઉઠા ભણાવ્યા

હળવદમાં બિલ્ડરે મકાનો વેચાતા આપી પૂરતી સુવિધાઓ આપવાના નામે ઉઠા ભણાવ્યા

8 થી 9 વર્ષ અગાઉ બિલ્ડરે સોસાયટી બનાવ્યા બાદ સુવિધાઓ આપવામાં દરકાર જ ન કરતા અંતે પાણીની હાડમારી વધતા રહીશોનો આક્રોશ સાતમા આસમાને

હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ પર વોર્ડ નંબર 5 માં આવેલ રામ વિલા બંગલોઝ 2 માં રહેતા 65 થી 70 જેટલા પરિવારજનો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની રાવ ઉઠી છે. સોસાયટીના રહીશો દ્વારા બિલ્ડર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ ગ્રાહક સુરક્ષામાં કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

સોસાયટી 8 થી 9 વર્ષ પહેલા બનાવવામાં આવી હતી. મકાન ખરીદતી વખતે બિલ્ડરો દ્વારા રહીશોને 14 જેટલી જુદી જુદી સુવિધાઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 200 મકાનો બનાવવાનો પ્લાન હતો, જેમાંથી હાલ અડધું કામ પહોંચ્યું છે. પરંતુ, 8 થી 9 વર્ષ વીતવા છતાં રહીશોને વચન મુજબની સુવિધાઓ મળી નથી.
 

હળવદમાં બિલ્ડરે મકાનો વેચાતા આપી પૂરતી સુવિધાઓ આપવાના નામે ઉઠા ભણાવ્યા

રહીશોનો આક્ષેપ છે કે બિલ્ડર દ્વારા નક્કી કર્યા મુજબની કોઈ પણ સુવિધા હજુ સુધી આપવામાં આવી નથી. પરિસ્થિતિ એ હદે વણસી છે કે છેલ્લા 5 દિવસથી સોસાયટીમાં પાણી પણ આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત, આખી સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટની સુવિધા ક્યાંય જોવા મળતી નથી અને ગાર્ડન પણ વ્યવસ્થિત નથી.

સુવિધાઓના અભાવે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા સોસાયટીના લોકો આ સમસ્યાઓથી તંગ આવીને રાત્રે એકઠા થયા હતા. બિલ્ડરો દ્વારા તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની રાવ સાથે તમામ રહીશો આજે વ્યક્તિગત રીતે ગ્રાહક સુરક્ષામાં બિલ્ડરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જશે.