અજાણ્યા શખ્સે ટ્રકનો કાચ તોડી નાખતા ટ્રક ચાલકે ટ્રાન્સપોર્ટરના કહેવાથી 112મા ખોટી માહિતી આપીને પોલીસને ધંધે લગાડી હોવાની કબૂલાત આપી
હળવદ : હળવદ તાલુકાના દેવળીયા નજીક ટ્રકના કાચ તોડી રૂપિયા 2 લાખની લૂંટ થવા મામલે 112 જનરક્ષક હેલ્પલાઈનમાં ખોટી માહિતી આપનાર ટ્રક ચાલક, માળીયાના ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકને ખોટું બોલવા કહેનાર પાંચ આરોપીઓને હળવદ પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
હળવદ તાલુકાના દેવળીયા ગામ નજીક આવેલ ફાઉન્ટન હોટેલ પાસે મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં અમદાવાદ રહેતા ટ્રક ચાલક સુરેશ સરજુભાઈ આહીરને મારામારી અજાણ્યા શખ્સો 2 લાખ લૂંટી ગયા હોવાની 112 જનરક્ષક હેલ્પલાઈના ફરિયાદ કરતા પોલીસ અને 112 હેલ્પલાઇન દોડતી થઈ હતી. બીજી તરફ હળવદ પોલીસે યુક્તિ પ્રયુક્તિથી ટ્રક ચાલકની પૂછતાછ કરતા ટ્રક ચાલક સુરેશ સરજુ પોલીસ સમક્ષ પોપટ બની ગયો હતો અને કબુલ્યું હતું કે, કોઈ અજાણ્યા શખ્સોએ ટ્રકનો કાચ તોડી નાખી માર માર્યો હોય જેથી ટ્રક માલીકે માળિયાના ટ્રાન્સપોર્ટરનો સંપર્ક કરવાનું કહેતા સુરેશે ટ્રાન્સપોર્ટરને ફોન કરતા ટ્રાન્સપોર્ટરે 112 જનરક્ષક હેલ્પલાઈનમાં લૂંટ થઈ હોવાનો ફોન કરવા કહેતા સુરેશે આ કૃત્ય કર્યું હોવાનું કબુલ્યું હતું.
દરમિયાન પોલીસે જનરક્ષક હેલ્પલાઇન 112ને ખોટી માહિતી આપી પોલીસને પરેશાન કરવા મામલે ટ્રક ચાલક આરોપી સુરેશ સરજુભાઈ આહીર, અમદાવાદના બજરંગ ટ્રાન્સપોર્ટ વાળા રાજાભાઈ ઉર્ફે જયેશભાઈ અશોકભાઇ અગ્રવાલ, નિલેશ અગ્રવાલ, માળીયાના ઇરફાન ટ્રાન્સપોર્ટ વાળા હૈદરભાઈ મોવર અને અબ્દુલભાઇ ભટ્ટી રહે.માળીયા મિયાણા વાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.