બિલ્ડરોએ અગાઉ મકાનો બનાવીને આપ્યા પણ પ્રાથમિક સુવિધા ન આપતા ઉપરથી ગ્રામ પંચાયત પણ જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખતા વિફરેલા રહીશોનો ચક્કાજામ
મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર અગાઉ બિલ્ડરોએ નફો રળવા 4 સોસાયટીઓ બનાવી નાખી પણ આ સોસાયટીના સામાન્ય વર્ગના રહીશોને લાઈટ, પાણી, રોડ, ગટર, સફાઈ જેવી મૂળભૂત સુવિધા જ ન આપતા રહીશોએ આવા બિલ્ડરોને કાયદાનું ભાન કરાવવા થોડા સમય અગાઉ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. બિલ્ડરોએ સુવિધા આપવામાં છેતર્યા હોય ઉપરથી ગ્રામ પંચાયતે એ સોસાયટીઓનો કબ્જો ન મળ્યો હોવાનું કહી સુવિધા આપવામાં હાથ ઊંચા કરી દેતા તાજેતરમાં જ કલેકટર કચેરીએ મોરચો માંડ્યો હતો. આમ છતાં ન્યાય ન મળતા રોષે ભરાયેલા રહીશો આજે પીપળી-જેતપર રોડ ઉતરી આવી ચક્કાજામ કરી દેતા ટ્રાફિકજામ થવાથી અફડા તફડી મચી ગઇ છે.
મોરબીના પીપળી રોડ ઉપર માનસધામ-1, માનસધામ-2, ત્રિલોકધામ, ગોકુલધામ સોસાયટી આવેલ છે. જેમાં માનસધામ 1 અને 2 સોસાયટીમાં 150 મકાન, ત્રિલોલધામ સોસાયટીમાં 100 જેટલા મકાન અને ગોકુલધામમાં 43 સહિત 400 જેટલા મકાન છે. આ સોસાયટીઓમાં લાઈટ, પાણી, રોડ, ગટર જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ વિસ્તારના રહેવાસીઓએ આજે કલેક્ટર કચેરીએ ધરણા શરૂ કર્યા છે.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે આ સોસાયટીઓમાં સરકારના નિયન મુજબ સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી. એક તરફી દસ્તાવેજ કરી બીલ્ડર અને એમના વકીલ દ્વારા છેતરપીંડી કરવમાં આવી છે. સ્ટ્રીટ લાઈટ, પાણી, ગટર કે રોડની સુવિધા નથી. તંત્રને અનેકવાર રજુઆત કરી છે. સમસ્યાનું કોઈ સમાધાન આવ્યું નથી. પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે. તેઓએ પણ કોઈ કાર્યવાહી કરી નથી. પછાત વર્ગ સાથે અન્યાય થઈ રહ્યો છે.અમે વેરો ભરવા તૈયાર છીએ. દસ્તાવેજમાં મકાન બતાવેલ છે. તેઓ અમને એમ કહે છે કે અમે તમને પ્લોટ વેચ્યા છે. પણ અમે તો મકાન ખરીદ્યા છે.
આ અંગે સ્થાનિકોએ તાજેતરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પણ કર્યા હતા. પરંતુ કોઈ પરિણામ ન મળતા આજે સ્થાનિકોએ સવારમાં સમયે જ મહત્વના એવા જેતપર-પીપળી રોડ ઉપર જ ચક્કાજામ શરૂ કર્યો છે.આ ચક્કજામને કારણે વાહનોની કતારો જામી હોવાનું જાણવા મળી રહ્યું છે.