Monday - Jun 08, 2026

"આપણે એમને કપડાં લઈ આપીએ તો" ? પુત્રના સવાલે પિતામાં સંવેદના જગાવી અને ગરીબ બાળકોને મળ્યા મનગમતા વૈભવી કપડા

મોરબીમાં નાના બાળકે પિતામાં બીજાના ભલામાં જ આપણું ભલુની સંવેદના જાગૃત કરી

અશ્વિનભાઈ રાઠોડ ("સ્વયમ્'ભૂ',") : મોરબીમાં એક વેપારીએ ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકોના મનગમતા અને એકદમ વૈભવી બ્રાન્ડેડ કપડા પહેરવાના સપનાને સાકાર કર્યું છે. આ પ્રેરણાદાયી કાર્યમાં તેમનો માસૂમ પુત્ર નિમિત્ત બન્યો છે. જેમાં મોરબીમાં રહેતા હર્ષભાઈ રંગપરિયાએ હમણા જ બ્રાન્ડેડ કપડાનો શો રૂમ શરૂ કર્યો હતો. તેની બાજુમાં દલવાડી ચોકડી પાસે આવેલી ઝૂંપટપટ્ટીના 25 જેટલા નાના મોટા ગરીબ બાળકો આ  નવો જ શોરૂમ ખુલ્યો હોવાથી દરરોજ કપડા જોવા આવતા અને બહાર કાચમાંથી આ બાળકો શોરૂમ અંદર રહેલા બન્ડેડ કપડાં જોઈને નિરાશ થઈને પરત જતા હતા. કારણ કે, આ બાળકો અને એમના પરિવારની આર્થિક સ્થિતિ સાવ કંગાળ છે. એમને ખાવાનું પણ આસપાસના લોકો આપી જતા હોય ત્યારે તેમના માટે આવા કપડાં ખરીદવા એ એક સપનું જ હતું. દરમિયાન તેમનો માસૂમ.પુત્ર પ્રેયાન શોરૂમે આવ્યો હતો. તેણે દુકાન બહાર ઉભેલા આ ગરીબ બાળકોને જોઈને બાળ સહજ ભાવે પિતાને પૂછ્યું કે, આ બધા અહીંયા કેમ ઉભા છે ? તો પિતાએ કહ્યું કે, એ બાળકો દુકાનની બહારથી કાચમાંથી કપડા જુએ છે. ફરી આ નાના બાળકે સવાલ કર્યો કે, એ બાળકોના કપડા આપણા જેવા કેમ સારા નથી ? અને એમના કપડા સાવ મેલા ઘેલા અને ફાટેલા કેમ છે. તેથી પિતાએ કહ્યું કે એ બાળકોની નવા કપડાં ખરીદી શકે એવી આર્થિક સ્થિતિ નથી. આથી એકદમ નાની ઉંમરે પણ એક સારા વ્યક્તિની જેમ તેમના પુત્રએ આપણે એમને કપડા લઈ દઈએ તો ? પુત્રની આવડી નાની ઉંમરે મોટી સમજણ અને ઉદારતા જોઈને પ્રભાવિત થયેલા પિતાએ તરત જ ચાલો આપણે એમને પણ કપડા લઈ.દઈએ એમ કહી 25 બાળકો શોરૂમમાં અંદર લઈ જઈ ગરીબ બાળકો હોય એટલે સામાન્ય કપડાં નહિ પણ એમનો.પુત્ર પહેરે તેવા પણ મનગમતા કપડાં લઈને આ બાળકોને આપી સ્નાન કરાવીને પહેરાવ્યા હતા.

 

નફમાંથી અમુક હિસ્સો સેવાકાર્યોમાં વાપરશે

હર્ષ રંગપરિયાએ જણાવ્યું હતું કે, આ સેવાકાર્ય માટે મને મારા નાની ઉંમરના પુત્રએ પ્રેરિત કર્યો હતો. જો કે એ ગરીબ બાળકો રોજ કપડાં જોતા પણ એમને સારા કપડાં પહેરવાનું નસીબ થશે કે નહીં એ વિચારોથી મનમાં મૂંઝાતા હશે. પણ મેં જ્યારે આ બાળકોએ એમને પસંદગીના સારા કપડાં ભેટમાં આપી પહેરાવ્યા ત્યારે એ બાળકોના અંતર મનની ખુશીએ જે ચહેરા પર છલકાઈ હતી. એ જોઈને હું ધન્ય થઈ ગયો હતો. આથી એ ક્ષણે મેં નક્કી કરી લીધું છે. કે જે કઈ નફો થશે એમાંથી અમુક હિસ્સો આવા વંચિત લોકોને ખુશીઓ આપવા માટે વાપરીશ.