ટ્રેડ ડીલથી કૃષિ, ઉધોગ સહિતના ક્ષેત્રે મોટું નુકસાન થવાની શક્યતા દર્શાવી વિરોધ પ્રદર્શન કરીને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ ટ્રેડ ડીલ હટાવો, કિશાન બચાવોના સૂત્રોચ્ચાર સાથે આવેદન આપ્યું
મોરબી : મોરબી જિલ્લામાં એકતરફ કંપનીઓ પોતાના વિકાસ માટે દાદાગીરી કરી ખડુતોના ખેતરમાં બળજબરીથી હેવી વિજલાઈન નાખી જમીનની કપાત કરવા છતાં યોગ્ય વળતર ન ચૂકવતા ખેડૂતો પોતાના હક્ક માટે જબરદસ્ત લડત ચલાવી રહ્યા છે. ત્યારે ભારત સરકારે અમેરિકા સાથે કરેલી ટ્રેડ ડિલ કૃષિ, ઉધોગો, વાણિજ્ય સહિતના ક્ષેત્રે ભારે નુકશાન હોય એકંદરે દેશનો વિકાસ રૂંધાશે તેવું જણાવી મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ આ ટ્રેડ ડિલનો જબરદસ્ત વિરોધ કરી ટ્રેડ ડીલ હટાવો, કિશાન બચાવોના સૂત્રોચ્ચાર સાથે આવેદન આપ્યું હતું અને આ ટ્રેડ ડિલ રદ ન થાય તો આંદોલન કરવાની ચીમકી આપી છે.
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેકટરને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઉભો કરે છે. આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે. ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે.
જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતના બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે, તો ટેક્સટાઈલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડશે. ટેક્સટાઈલ ઉદ્યોગ ન ટકે તો કપાસની ખેતી પણ અસરગ્રસ્ત થશે, જે ખેડૂતો માટે આર્થિક સંકટ સર્જી શકે છે. ભારત સરકાર ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે વિશાળ ભારતીય બજાર ખોલવામાં આવ્યું છે. આ બાબતનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આ ટ્રેડ ડીલને રદ્દ કરવાની માંગણી કરે છે.
જો આ ડીલ રદ ન થઈ તો, આમ આદમી પાર્ટી એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે તેઓ આ ટ્રેડ ડીલના સંભવિત નુકસાન અંગે જનતાને માહિતગાર કરશે અને દેશના ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને બચાવવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન કરશે. દેશના સાર્વભૌમ હિતોને ગીરવે મૂકવા જેવા કોઈપણ પગલાં સામે લોકમત ઊભું કરવામાં આવશે અને ખેડૂતોના હિતોની રક્ષા માટે મજબૂત લડત લડવામાં આવશે.