Thursday - Apr 30, 2026

ખેતી જ છીનવાઈ જશે તો 2 હજાર લોકો પાયમાલ થઈ જશે નવા નેશનલ હાઇવે માટે મોરબીના ખાખરાળા ગામની 500થી વધુ વિઘા જમીન કપાશે

ખેતી જ છીનવાઈ જશે તો 2 હજાર લોકો પાયમાલ થઈ જશે

નવા નેશનલ હાઇવે માટે મોરબીના ખાખરાળા ગામની 500થી વધુ વિઘા જમીન કપાશે

કેન્દ્ર સરકાર દ્વારા મોરબી જિલ્લાના નવલખી પોર્ટ અને મોરબી બાયપાસને જોડતો નવો નેશનલ હાઇવેની અમલવારી કરાતા આ નેશનલ હાઇવેને કારણે મોરબી અને માળીયાના 14થી વધુ ગામોની ખેતીની જમીન કપાતમાં જવાની દહેશત હોવાથી શરૂઆતથી આ ગામોના ખેડૂતો નવા નેશનલ હાઇવેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને વારંવાર કલેકટર મારફત સરકારને રજુઆત કરીને પોતાની રોજગારીના ભોગે કોઈ કાળે નવા નેશનલ હાઇવેની અમલવારી ન કરવાની માંગણી કરી છે.

14 ગામો પૈકીના એક મોરબીના ખાખરાળા ગામના ખેડૂતોએ આ નવા નૅશનલ હાઇવેનો જબરદસ્ત વિરોધ નોંધાવ્યો છે. કારણ કે, ખેડૂતોના જણાવ્યા મુજબ આ ગામ આવેલા ખતીથી હર્યાભર્યા ખેતરોની વચ્ચેથી નવી નવલખીથી મોરબીનો નેશનલ હાઇવે નીકળવાનો છે. તેમાં 500થી વધુ વિઘા ખેતીની જમીન કપાતમાં જાય એમ છે.આ  ખેડૂતોના ખેતરો કપાવાના હોવાથી ખેડૂતોની રોજીરોટી છીનવાશે તો પાયમાલ થઈ જશે. ખેતીની જમીનના બદલે જે વળતરની વાત ચાલી રહી હોય એની સામે ખેડૂતોએ બાયો ચડાવી છે. કોઇપણ ભોગે ખેતીની જમીન કપાતમાં ન જાય એ માટે ખેડૂતો ભારે મથામણ કરી રહ્યા છે. ખેતી એ ખેડૂતોનો પરંપરાગત વ્યવસાય હોય અને હવે ખેતી જ ન રહે તો ખેડૂતો બેકાર થઈ જાય એમ છે.

2 હજારની વસ્તી ધરાવતા આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી ખેતીને કારણે જ ખેડૂતો ખાધેપીધે સુખી હતા પણ હવે ખેડૂતો માટે મોટી આફત આવી છે. રોજીરોટીના ભોગે હવે આવો વિકાસ નથી જોઈતો તેવો આક્રોશ ખેડૂતોએ ઠાલવ્યો છે. આટલી મોટી ખેતીની જમીન કપાઈ જશે તો ખેડૂતો રોજીરોટી વગરના થઇ જશે અને  ખેતી સિવાય કંઈ આવડતું ન હોય હવે ખેતી છીનવાઈ જાય તો ખેડૂતો બેકાર બની જશે. આથી ખેડૂતોની એવી ઉગ્ર માંગ છે કે કોઈપણ ભોગે આ નવો નેશનલ હાઇવે અમારી ખેતીની જમીનમાંથી ન જ નિકળવો જોઈએ. તેમ છતાં પણ આ હાઇવે નીકળે તો સરકારને અમારી રોજીરોટીની વ્યવસ્થા પહેલા કરવી જોઈએ.આ મામલે ખેડૂતોએ વારંવાર રજુઆત કરતા હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. આ ગામની અંદર સુંદર મજાનું ઉપવન અને મંદિર તેમજ પ્રાથમિક શાળા અને પાણીની સહિતની પૂરતી સુવિધાઓ છે. ખેતી સમૃદ્ધ હોય લોકોનું જીવન ધોરણ યોગ્ય રીતે ચાલે છે. એટલે અત્યાર સુધીમાં તમામ સુવિધા હોવાથી ગામલોકોને એકેય પ્રશ્ન નડ્યો નથી. પણ હવે નવા નેશનલ હાઇવેએ ખેડૂતોનું જીવવું દુષ્કર કરી દીધું છે.