લાભાર્થીઓ નિયત સમયમાં ફી ન ભરતા અને આવાસોનો ઉપયોગ ન કરાતો હોવાથી મનપાએ આકરી કાર્યવાહી કરી
મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર રોડ પર આવેલી મુખ્યમંત્રી આવાસ યોજના (IHSDP) હેઠળના 336 આવાસોમાં કેટલાકનો ઉપયોગ ન થતો હોય તેમજ ઘણા આવાસોની નિયત થયેલી પૂરેપૂરી રકમ સમયમર્યાદામાં ભરી ન હોવાથી મનપાએ કડક કાર્યવાહી કરી છે. મનપાએ આ નિયમોનું ઉલ્લંઘન કરનારા 336 આવાસોને રદ કરી દીધા છે.
મોરબી મનપા દ્વારા વર્ષ 2017માં 400 આવાસોનો કોમ્પ્યુટર ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રોમાં સફળ થયેલા 400 લાભાર્થીઓ પૈકી 336 લાભાર્થીઓ યોજનાના નિયમો મુજબ નિયત થયેલી પૂરેપૂરી રકમ સમયમર્યાદામાં ભરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં ફાળવેલ આવાસનો લાભાર્થી દ્વારા કાયમી ઉપયોગ ન થતો હોવાનું અથવા તો મૂળ લાભાર્થીને બદલે અન્ય કોઈ વ્યક્તિ આવાસનો ઉપયોગ કરતી હોવાનું સામે આવ્યું હતું. આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને 336 લાભાર્થીઓના આવાસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પાલિકા દ્વારા આ રદ થયેલા આવાસ પરત મેળવીને નવી અરજીઓ મંગાવવામાં આવશે અને પુનઃફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રદ થયેલા 336 આસામીઓના મૂળ સરનામા અપૂરતા હોવાથી તેમને વ્યક્તિગત જાણ કરવી શક્ય હોવાથી મહાપાલિકા દ્વારા આ યાદી લીલાપર રોડ સ્થિત આવાસ યોજનાની સાઇટ પર બ્લોક મુજબ તેમજ મહાનગરપાલિકા કચેરીના નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી આગામી તારીખ 13-3-2026 સુધી કચેરી સમય દરમિયાન જોઈ શકાશે. જેની સંબંધિત લાભાર્થીઓએ નોંધ લેવા મનપાએ તાકીદ કરી છે.