મોરબી : મોરબીમાં કોંગ્રેસે મહાપાલિકાને ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યા બાદ પોલીસે અટકાવતા ભારે ઘર્ષણ થયું છે. કોંગ્રેસના આગેવાનોએ પોલીસ સમક્ષ કમિશનરને રજુઆત કરવા જવા માટે મક્કમ રહેતા અંતે કોંગ્રેસની માંગણી સ્વીકારી લેવાય હોવાનું જાણવા મળ્યું છે. જેમાં મહાપાલિકાના બંધ ગેટની એક તરફથી ડેપ્યુટી કમિશનરે વાતચીત કરી વાટાઘાટનો પ્રયાસ કર્યો. તેઓએ 25 આગેવાનોને કચેરીમાં અંદર પ્રવેશી રજુઆત કરવા દેવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જે કોંગ્રેસે સ્વીકારી લીધો છે.
કોંગ્રેસ દ્વારા શહેરના પાયાના પ્રશ્નોને લઈને મહાપાલિકાનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાપાલિકાનો ગેટ બંધ કરી દેવાયો છે. જેથી કોંગ્રેસ આગેવાનોએ ગેટની બહારથી વિરોધ ચાલુ રાખ્યો છે. આ દરમિયાન ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ કચેરી બહાર આવી ગેટની અંદરની બાજુથી કોંગ્રેસ આગેવાનો સાથે વાતચીત કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
ડેપ્યુટી કમિશનરે 25 આગેવાનોને રજૂઆત કરવા જવા દેવાની પણ છૂટ આપી હતી. આ પ્રસ્તાવ કોંગ્રેસે સ્વીકાર્યો છે. અત્યારે 25 જેટલા આગેવાનોને મહાપાલિકા કચેરીમાં પ્રવેશ અપાયો છે. તેઓ મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ રજુઆત કરવા ગયા છે. વધુમાં કોંગ્રેસ આગેવાનોએ કમિશનરને ભાજપના એજન્ટ ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે તમે ભાજપના નેતાઓ સાથે બેઠક કરો છો, અમારી રજુઆત પણ સાંભળી શકતા નથી.