આવક, નોન ક્રિમિલિયર, જાતિ અને EWSના દાખલા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદ
મોરબી : વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારું પરિણામ મેળવવા તનતોડ મહેનત કરવી પડે છે. પરીક્ષાનું પરિણામ સારું આવ્યા બાદ પણ વિદ્યાર્થીઓને મહેનતમાંથી રાહત મળતી નથી. પહેલા પરીક્ષામાં અને હવે પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ ઉચ્ચ અભ્યાસમાં જરૂર પડતા વિવિધ દાખલાઓ કઢાવવા માટે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને ભારે હાડમારી ભોગવવી પડે છે. જેમાં મોરબીની સીટી મામલતદાર કચેરીએ હાલ વિવિધ દાખલાઓ કઢાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની કતારો લાગી છે. બે ત્રણ ધક્કાઓ કરવા છતાં પણ દાખલા ન નીકળતા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકી પડતી હોવાની ફરિયાદ ઉઠી છે.
મોરબી સિટી મામલતદાર કચેરીમાં હાલ દરરોજ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ધસારો વધ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આવક, નોન ક્રિમિલિયર, જાતિ અને EWSના દાખલા માટે લાઈનો લગાવે છે. બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ આ દાખલાઓ મેળવવા જરૂરી હોય છે. પણ વિદ્યાર્થીઓ આ દાખલા મેપવવા મામલતદાર કચેરીએ જાય ત્યારે માત્ર એક જ સીસ્ટમ કાર્યરત હોવાને કારણે એક ધકકામાં કામ થતું નથી. આથી બીજા દિવસે ફરી આવી જ યાતના ભોગવવી પડે છે. આવી રીતે એક સિસ્ટમને લીધે વિદ્યાર્થીઓને વારંવાર ધક્કા થાય છે. આથી હાડમારી વધે છે. સરકારી કચેરી 11 વાગ્યે ખુલતી હોય છે. ત્યારે તડકો ખૂબ જ તપી ગયો હોય છે અને તડકામાં ભારે હેરાનગતિ થાય છે. મામલતદાર કચેરીએ દાખલા માટે લાંબી કતારો લાઈનો લાગ્યા બાદ પણ બપોરે 2 વાગ્યા સુધી દાખલાની કામગીરી થતી હોવાથી ઘણા વિદ્યાર્થીઓને દાખલા કઢાવવાના બાકી રહી જાય છે. આથી બાકીના વિદ્યાર્થીઓને ખાલી હાથે પરત ફરવાની નોબત આવે છે અને ફરી બીજા દિવસે લાઈનમાં ઉભું રહેવું પડે છે અને ત્યારે પણ વારો ન આવે તો વિદ્યાર્થીઓ ધક્કાની મહેનત માથે પડે છે. તેથી તંત્ર દ્વારા આગોતરી વ્યવસ્થાના અભાવે દાખલા માટે હાલ અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માટે વહેલી તકે બેથી ત્રણ સીસ્ટમ મૂકી વિદ્યાર્થીઓને કલાકો સુધી કાળઝાળ ગરમીમાં હેરાન ન થવું પડે તેવી વ્યવસ્થા સિટી મામલતદાર તંત્ર દ્વારા ગોઠવવામાં આવે તે જરૂરી છે.