Sunday - Jul 05, 2026

પીપળીયા ચાર રસ્તા પાસેથી છેક ત્રણ દિવસે પાણી આપતા ભારે હાલાકી

પીપળીયા ચાર રસ્તા પાસેથી છેક ત્રણ દિવસે પાણી આપતા ભારે હાલાકી

 મોરબીના હજનાળી ગામના લોકો પાણી પ્રશ્ને કાળઝાળ થયા છે. કારણ કે તેમના જ ગામમાં 15 વર્ષ પહેલાં નખાયેલા સંપમાંથી પાણી ન આપીને અન્યાય કરાતો હોવાનો ગ્રામજનોએ બળાપો ઠાલવ્યો હતો. પાણીનો સંપ અમારા જ ગામમાં અને અમને જ પાણી ન આપીને બીજા 24 ગામોને પાણી ન આપે એ ક્યાંનો ન્યાય ?

મોરબીના હજનાળી ગામના સરપંચ મહેશભાઈ પારેજીયાએ પાણી પુરવઠા તંત્રને રજુઆત કરી હતી કે,આશરે 15 વર્ષ પહેલા તેમના ગામના ખરાબામાં પાણી પુરવઠા તંત્રએ પાણીનો સંપ બનાવ્યો હતો. પણ આ ગામને ત્યારથી આ સંપમાંથી પાણી અપાતું નથી. એના બદલે આમરણ ચોવીસી એટલે આમરણના 24 ગામોને તેમના ગામમાં આવેલા પાણીના સંપમાંથી પાણી અપાઈ છે. જો કે ગ્રામજનોએ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, સંપ અમારા ગામમાં નાખ્યો અને પાણી બીજા ગામે એ પણ દૂર હોવા છતાં એ બધા ગામોને પાણી આપીને અમને મોટો અન્યાય કરવામાં આવી રહ્યો છે. જો કે પીપળીયા ચાર રસ્તાના સંપથી અમારું ગામ 9 કિમિ જેટલું દૂર હોવા છતાં ત્યાંથી અમને પાણી અપાઈ છે. એની પણ ના નથી. પણ અહીંથી અમારા ગામને 3 દિવસે પાણી આપવામાં આવે છે. એટલે ગ્રામજનોને પાણી પૂરું પડતું નથી. અગાઉ હજનાળી ગામે આ સંપમાંથી પાણી વિતરણ કરવામાં આવે તેવી ઉચ્ચકક્ષાએ રજુઆત કરેલી છે. પણ હજુ સુધી આ ગામના સંપમાંથી પાણી ન આપીને ખોટો અન્યાય કરવામાં આવે છે. અધિકારીઓને રજુઆત કરીએ તો ગોળ ગોળ જવાબ આપે છે. એટલે ફરી અધિકારીઓને રજુઆત કરીને ગામના સંપમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ કરી છે.