Thursday - Jul 02, 2026

મોરબીથી મધ્યપ્રદેશ જવા નીકળ્યા પણ રસ્તો ભૂલ્યા,સદનસીબે વૃદ્ધાનો પરિવાર સાથે ભેટો

મોરબીથી મધ્યપ્રદેશ જવા નીકળ્યા પણ રસ્તો ભૂલ્યા,સદનસીબે વૃદ્ધાનો પરિવાર સાથે ભેટો

જાગૃત નાગરિકની મદદથી મુશ્કેલીમાં મુકાયેલા વૃદ્ધાની વ્હારે 181 ટીમ દોડી

મોરબી  : મોરબીમાં ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓની મદદ માટે 181 અભયમ ટીમ દેવદૂત બનીને વ્હારે આવી હતી. જેમાં મોરબીમાં એક મહિનાથી પુત્ર અને પુત્રવધૂ સાથે રહ્યા બાદ વતનની યાદ આવતા વૃદ્ધા ઘરે કહ્યા વગર જ તેમના વતન મધ્યપ્રદેશ જવા નીકળ્યા હતા. પણ તેઓ મોરબીના ગ્રામ વિસ્તાર ઘુટુ નજીક રસ્તો ભૂલી ગયા હતા અને મુંઝવણમાં મુકાય ગયા હતા. બીજીતરફ વૃદ્ધાની શોધખોળ કરવા છતાં તેમની ભાળ ન મળતા તેમનો પુત્ર સહિતનો પરિવાર ચિંતિત હતો. દરમિયાન જાગૃત નાગરિકને આ વૃદ્ધા ગભરાયેલી હાલતમાં દેખાતા તેની સમય સુચકતા અને 181ની ત્વરિત કાર્યવાહીથી સદનસીબે વૃદ્ધાનો તેમના પરિવાર સાથે ભેટો થયો હતો.

મોરબીના જાગૃત નાગરિકે 181 હેલ્પલાઇન પર કોલ કરીને એક અજાણ્યા વૃદ્ધા મોરબીના ઘુટુ ગામે એક શેરીમાં છેલ્લા કેટલાક કલાકથી એકલા અને ગભરાયેલી હાલતમાં બેઠા હોય અને તેઓ સરખું સરનામું આપી શકતા ન હોવાની જાણ કરી હતી. આ કોલ મળતા જ 181 ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન પટેલ તેમજ પાયલોટ વિરમભાઇ જીડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ટીમે વૃદ્ધાને સાંત્વના આપીને ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે વૃદ્ધા મૂળ એમ.પી.ના વતની છે અને છેલ્લા 1 મહિનાથી મોરબીમાં મજૂરી કામ કરતા પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે. જો કે, તેમને મોરબીમાં રહેવું ફાવતું ન હોવાથી અને વતનની યાદ આવતી હોવાથી, તેઓ વહેલી સવારે કોઈને પણ કહ્યા વગર રેલ્વે સ્ટેશન જવા નીકળ્યા હતા પરંતુ રસ્તો ભૂલી ગયા હતા. બીજી તરફ, દીકરો અને વહુ છેલ્લા 9 કલાકથી પોતાની માતાની શોધખોળ કરી રહ્યા હતા પરંતુ તેમનો કોઈ પતો મળ્યો ન હતો. 181 ટીમ દ્વારા ભારે જહેમત બાદ પરિવારનો કોન્ટેક્ટ નંબર મેળવીને તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જરૂરી આધાર-પુરાવા ચકાસીને વૃદ્ધાને સહી-સલામત તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. આ સાથે જ ટીમે પરિવારને વૃદ્ધાનું ધ્યાન રાખવા બાબતે જરૂરી સમજાવટ અને કાયદાકીય માહિતી આપી હતી.