Saturday - May 16, 2026

હળવદના ખોડ ગામે પાણી બબાલમાં મકાન માલિકને લાકડી ફટકારી

હળવદના ખોડ ગામે પાણી બબાલમાં મકાન માલિકને લાકડી ફટકારી

હળવદ : ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં પાણીની અછત સર્જાઈ રહી છે. ખાસ કરીને હળવદ તાલુકાના રણ નજીકના વિસ્તારમાં પાણીની સ્થિતિ વિકટ બની છે ત્યારે હળવદ તાલુકાના ખોડ ગામે પાડોશમાં રહેતા મહિલાને પાણી ભરવાની ના પાડનાર પરિવારના ઘરે ચાર શખ્સોએ લાકડી લઈ ધસી આવી શખ્સોએ પાણી ભરવાની ના પાડનાર મકાન માલિકને પતાવી દેવાની ધમકી આપી માથામાં લાકડી ફટકારી દઈ જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાનાં ખોડ ગામે રહેતા અને પશુપાલન કરતા ફરિયાદી રાજેશભાઇ કરશનભાઇ મારુ ઉ.24 નામના યુવાને આરોપી ભૂરાભાઈ માંડણભાઈ રબારી, ભરતભાઇ માંડણભાઈ રબારી સગરામભાઈ માંડણભાઈ રબારી તેમજ ધારાભાઈ માંડણભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે આરોપી ધારાભાઈ રબારીના પત્ની ફરિયાદીના ઘેર પાણી ભરવા આવતા તેમને પાણી ભરવાની ના પાડતા આરોપીઓને સારું નહીં લાગતા રાત્રીના ચારેય શખ્સ લાકડીઓ લઈ તેમના ઘેર આવ્યા હતા. બાદમાં ગાળો આપી હંગામો કરતા ગાળો બોલવાની ના પાડતા લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.