ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ
હળવદ : હળવદ તાલુકાના ભલગામડાં ગામમાં બની રહેલા 220 કેવી વીજ સબ સ્ટેશનના કામમાં રેતી નાખવા મામલે હળવદ અને સાપકડા ગામના ત્રણ શખ્સોએ બોલેરો ગાડીમાં આવી ગામના ઉપ સરપંચને અહીં રેતી નહિ નાખવા દે તો જાનથી મારી નાંખશું કહી ઢીકા પાટુનો માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
હળવદ તાલુકાના ભલગામડા ગામના ઉપ સરપંચ રઘુભાઈ બનેસંગભાઈ ભાટિયા ઉ.વ.46 નામના આધેડે આરોપી સામત રામજીભાઈ ઝાપડા, રહે.હળવદ પોલીસ લાઇન પાછળ, જીજ્ઞેશસિંહ સુખદેવસિંહ ઝાલા અને હરદીપસિંહ સુખદેવસિંહ ઝાલા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.4ના રોજ ત્રણેય આરોપીઓ ભલગામડાં ગામે આવ્યા હતા અને કહ્યું હતું કે, અહીં બની રહેલા 220 કેવી સબ સ્ટેશનના કામમાં કેમ રેતી નથી નાખવા દેતો, જેથી ફરિયાદી રઘુભાઈએ કહ્યું હતું કે, અમારા ગામનું કામ છે જેથી રેતી પણ અમારા ગામની જ નાખવામાં આવે છે. આ જવાબ સાંભળી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને રઘુભાઈને ઢીકા પાટુનો માર મારી અમારી રેતી નહિ નાખવા દે તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.