Sunday - Jul 05, 2026

હજનાળી ગામ ખેતી આધારિત પણ ખાટલે મોટી સિંચાઇની જ ખોટ

હજનાળી ગામ ખેતી આધારિત પણ ખાટલે મોટી સિંચાઇની જ ખોટ

મોરબીનું હજનાળી ગામ સંપૂર્ણપણે ખેતી ઉભર નિર્ભર છે. આ ગામનો આજે પણ ખેતી મુખ્ય વ્યવસાય હોય છતાં પણ ખાટલે મોટી સિંચાઇની ખોટ છે. સિંચાઇની સુવિધા આજદિન સુધી આપવામાં આવી ન હોવાથી ખેડૂતોનો મરો થાય છે. કારણ સિંચાઇના અભાવે ખેતી ભગવાન એટલે વરસાદના ભરોસે થઈ ગઈ છે. એટલે સારો વરસાદ થાય તો ખેડૂતો લાપસીના આંધણ મૂકે છે. જો વરસાદ યોગ્ય ન વરસે તો ખેડૂતો દુઃખી હ્ર્દય સાથે લમણે હાથ લઈને આકાશ ભણી મીટ માંડીને બેસી રહે છે.

મોરબીના હજનાળી ગામના સરપંચ મહેશભાઈ બાબુલાલ પારેજીયાના કહેવા મુજબ હજનાળી ગામ 150 વર્ષથી વધુ જૂનું અને ગામની 1250ની વસ્તી હોય એ વસ્તી ખેતી ઉપર નભતી હોવા છતાં સિંચાઇના નામે મીંડું હોવાથી ખેડૂતો વર્ષમાં એકાદ પાક માંડ માંડ લઇ શકે છે. આનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે ગામને બીમાર પડવું પોસાય જ એમ નથી. ગામમાં ન કરે નારાયણ અને કદાચ રોગચાળો વકરે તો ભારે ધાંધલ ધમાલ મચી જાય એમ છે. કારણ કે, ગામમાં આરોગ્ય કેન્દ્ર જ નથી. ગામલોકો બીમાર પડે તો સારવાર લેવા 9-10 કિમિ દૂર બગથળા, આમરણ, સરવડ ગામે જવું પડે છે. ડિજિટલ યુગ મુજબ ગામમાં ધો.1.થી 8ની સ્કૂલમાં મલ્ટી મિડીયા આધારિત શિક્ષણ આપવામાં આવે છે. કોમ્યુટર સહિત ડિજિટલ માધ્યમથી જ શિક્ષણ અપાતું હોવાથી અત્યારથી બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત બન્યો છે. રોડ રસ્તા, ભૂગર્ભ ગટરની યોગ્ય વ્યવસ્થા પણ કચરા માટે વાહનની સગવડ ન હોય ગ્રામ પંચાયત દ્વારા જ કચરાનો નિકાલ કરવામાં આવે છે. આ ગામને જોડતા કાંતિપુર, બિલિયા, મોડપર, એક જૂનો મોરબી માર્ગ તરીકે ઓળખાતો માર્ગ પણ કાચો છે. પીવાના પાણીની હાલ કોઈ સમસ્યા નથી. બે ત્રણ દિવસે પાણી આવતું હોવા છતાં બધા જ લોકોને પાણી પૂરું પડી જાય છે. રેગ્યુલર પાણી માટે ગાંધીનગર સુઘી અરજી કરેલી છે એના પર કોઈ કાર્યવાહી થઈ નથી. જો અરજી નો નિકાલ સમય સર થઈ જાય તો રેગ્યુલર ગામ ને પાણી મળતું થઈ જાય.