રવિ બરાસરા દ્વારા : મોરબી અત્યારે ઉદ્યોગનગરી કહેવાય છે. પણ સીરામીક, પેપરમિલ, પોલીપેક સહિતના ઘણા બધા કારખાના હોય પણ એ બધામાં સીરામીક ઉદ્યોગે ભલે દેશ વિદેશમાં ડંકો વગાડ્યો હોય પણ મોરબીનો સૌથી પહેલો ઉદ્યોગ તરીકે ઘડિયાળ ઉદ્યોગ તરીકે જાણીતો છે. આઝાદી પહેલાના સમયકાળ દરમિયાન મોરબીમાં સાયન્ટિફિક ક્લોક ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત હતી અને દેશ વિદેશમાં એની ઘડિયાળોની ભારે ડિમાન્ડ રહેતી. ત્યારબાદ અજંતા ક્લોક અને લાતીપ્લોટમાં અનેક નાના મોટા યુનિટો બન્યા અને સૌથી વધુ અગત્યની બાબત એ છે કે, 20 હજારથી વધુ મહિલાઓને રોજી આપતો ઉદ્યોગ છે. પણ ઘડિયાળ હવે મોબાઈલ સહિતના ઉપકરણોમાં આવી જતા અને તેમાંય છેલ્લા બે દાયકાથી ઉતરોતર પડતી થઈ છે.
મોરબીમાં મોટા ઉદ્યોગ ગૃહ તરીકે જાણીતા સોનમ કવાર્ટઝના માલિક જયેશભાઇએ કહ્યું હતું કે, ઉદ્યોગોમાં ચડતી પડતી અને મંદી તેજી તો આવ્યા જ કરે અને નવરાત્રી પછીથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટ ડીમ પડી ગયું હતું. નાના યુનિટોને માલનો ભરાવો થતા અઠવાડિયામાં એક નહિ પણ બેથી ત્રણ રજા રાખવી પડતી હતી. પણ તેમના જેવા મોટા ઉદ્યોગ ગૃહને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ થોડી ઓછી હોય એટલે થોડી ઘણી તો મુશ્કેલી વેઠવી જ પડે છે. ઘણા સમયથી આ ઉદ્યોગમાં મંદી હોય અને દરેક ઇન્ડસ્ટ્રીઝને બે ત્રણ મહિના ચૂંટણીની અસર પડે જ છે. ચૂંટણીના વાતાવરણમાં મંદી કે તેજી એનું તારણ કાઢવું અઘરું હોય એટલે હવે પછીનો પણ સમય ઘડિયાળ માટે ખરાબ જ રહેશે એવું ક્યાંથી ભવિષ્ય ભાખી શકાય, આખા વિશ્વમાં કોઈપણ કન્ટ્રીમાં ચૂંટણી આવડી મોટી હોય એટલે ઉદ્યોગોમાં એ સમયગાળા દરમિયાન શાંતિ જ રહે છે. આ વસ્તુ કાઈ જીવન જરૂરિયાત તો છે નહીં કે, આના વગર જનજીવન અટકી શકે. એટલે ચૂંટણીના પરિણામો આવી જાય અને સરકાર રચાઈ પછીના થોડા દિવસોમાં જ ખબર પડી જશે કે ઉદ્યોગમાં મંદી છે કે? તેજી ?
જયેશભાઇએ વધુમાં જણાવ્યું હતું કે લાતીપ્લોટ નાના મોટા યુનિટો અને ત્રણ ચાર મોટા ઉદ્યોગ ગૃહો સહિતની મોરબીની ક્લોક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દરરોજ એકાદ લાખ ઘડિયાળનું ઉત્પાદન થાય છે અને આ ઘડિયાળોનું ભારતભર અને લગભગ બધી જ કન્ટ્રીમાં નિકાસ થાય છે. તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે, અત્યારે ભલે મંદીનો સમય હોય પણ ચૂંટણીના પરિણામ પછી ઘડિયાળ ઉદ્યોગનો ખરાબમાંથી સારો સમય આવવાની સંભાવના છે.