મોરબી: આજરોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસ એટલે કે 'શ્રી રામનવમી'ના પાવન પર્વ નિમિત્તે મોરબીમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.મોરબી મ.ક.સ.સુ (દરજી)જ્ઞાતિ-ટ્રસ્ટ દ્વારા આજના આ શુભ દિને શ્રી રૂગનાથજી મહારાજ મંદિર ખાતે એક ભવ્યતાસભર આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ધાર્મિક કાર્યક્રમમાં દરજી સમાજના જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધર્મલાભ લીધો હતો. મંદિરના પૂજારી દક્ષ મહારાજ દ્વારા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પ્રભુ શ્રી રામની દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી.
આરતીના આ દિવ્ય દર્શન બાદ ઉપસ્થિત તમામ ભાવિકો અને જ્ઞાતિજનો માટે પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો તમામે લાભ લીધો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અને પ્રભુ ભક્તિના આ કાર્યક્રમને ભવ્ય રૂપ આપવા માટે મોરબી જ્ઞાતિ-ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ વિશેષ રૂપે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 'જય શ્રી રામ' ના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.