Saturday - Aug 08, 2026

ગુડ ન્યુઝ : શિક્ષક અશ્વિનભાઈ સદાતીયાએ પોતાની જિંદગી હોડમાં મૂકી મા-દીકરીને બચાવી

ગુડ ન્યુઝ : શિક્ષક અશ્વિનભાઈ સદાતીયાએ પોતાની જિંદગી હોડમાં મૂકી મા-દીકરીને બચાવી

સજનપર-વાંકાનેર-હડમતિયા ત્રિવેણી સંગમ પાસેની ઘટનામાં બાઈક અને હેવી ટ્રક વચ્ચે સર્જાઈ શકે તેવી ગંભીર દુર્ઘટનાને શિક્ષકની સમયસૂચકતાએ ટાળી

મોરબી : ચાણકયએ કહ્યું છે કે, શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હે. આ રીતે એક સિદ્ધાંતવાદી શિક્ષક માત્ર વર્ગખંડમાં ભારતના ભવિષ્યનું નિર્માણ જ નથી કરતા પણ બાળકોને જે શિક્ષણ અને સર્વાંગી વિકાસની સાથે બીજાના ભલામાં કઈ પણ કરી છૂટવું એ દરેક નગરિકનું પ્રથમ કર્તવ્ય હોવાનું ઉચ્ચ કોટીનું જ્ઞાન આપવાની સાથે શિક્ષક પોતે પણ પોતાના જીવની પરવા કર્યા વગર નાગરિકના પ્રથમ કર્તવ્યને નીભાવતા હોવાની ઘટના મોરબી જિલ્લામાં સામે આવી છે. જેમાં અશ્વિનભાઈ સદાતીયા નામના શિક્ષક પોતાની ફરજની ડ્યૂટી પૂર્ણ કરીને ઘરે પરત જઈ રહ્યા હોય એ દરમિયાન સજનપર-વાંકાનેર-હડમતિયા ત્રિવેણી સંગમ પાસેની ઘટનામાં બાઈક અને હેવી ટ્રક વચ્ચે સર્જાઈ શકે તેવી ગંભીર દુર્ઘટનાને સમયસૂચકતાથી ટાળી પોતાની જાનની પરવા કર્યા વગર મા-દીકરીનો જીવ બચાવ્યો હતો.

મળતી વિગતો મુજબ, 6 ઓગસ્ટ 2026ના રોજ શિક્ષક અશ્વિનભાઈ સદાતીયા પોતાની ફરજની ડ્યૂટી બજાવીને ક્રેટા કારમાં ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન સજનપર-વાંકાનેર-હડમતિયા ત્રિવેણી સંગમ પાસે ગોળાઈના સ્થળે એક તરફથી મા-દીકરી બાઈક પર આવી રહ્યાં હતાં, જ્યારે બીજી તરફથી હેવી ટોટિંગ ટ્રક આવી રહ્યો હતો. રસ્તા પરની આ પરિસ્થિતિમાં ક્ષણભરમાં ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી.

આ સમયે અશ્વિનભાઈએ પોતાની સલામતી કરતાં મા-દીકરીની સલામતીને પ્રાધાન્ય આપ્યું. પરિસ્થિતિને ભાંપીને તેમણે સમયસૂચકતા અને હિંમતપૂર્વક પોતાની ક્રેટા કારને રસ્તાની બાજુ આવેલા ખેતરમાં સલામત જગ્યાએ ઉતારી પલટી મરાવી, જેથી સામેથી આવી રહેલા વાહનો વચ્ચે ગંભીર અથડામણની સંભાવના ટાળી શકાય અને મા-દીકરીને બચાવી શકાય.

પોતાની જિંદગી જોખમમાં મૂકીને અન્યના જીવનની ચિંતા કરવી એ માત્ર સાહસ નથી, પરંતુ માનવતાની ઉચ્ચતમ ભાવનાનું ઉદાહરણ છે. અશ્વિનભાઈએ ઘટનાની ક્ષણોમાં જે નિર્ણય લીધો, તેમાં પોતાની જાનની પરવા કર્યા વિના અન્ય બે વ્યક્તિઓની સલામતીને પ્રથમ સ્થાન આપ્યું. તેમની આ સમયસૂચકતા અને હિંમતને કારણે એક મોટી દુર્ઘટના ટળી હોવાનું જણાય છે અને સમગ્ર પંથકે રાહતનો શ્વાસ લીધો હતો.

વર્ગખંડની બહાર પણ શિક્ષકનું શિક્ષણ જીવંત રહે છે

શિક્ષકનું કાર્ય માત્ર વિદ્યાર્થીઓને પાઠ ભણાવવા પૂરતું સીમિત નથી. શિક્ષક પોતાના વર્તન, નિર્ણયો અને જીવનમૂલ્યો દ્વારા પણ સમાજને શીખવતો હોય છે. અશ્વિનભાઈ સદાતીયાની આ ઘટના એ વાતનું ઉત્તમ ઉદાહરણ બની છે કે સાચો શિક્ષક જરૂરિયાતની ઘડીએ પોતાના આચરણથી પણ પાઠ ભણાવે છે. વર્ગખંડમાં ચોક-ડસ્ટરથી વિદ્યાર્થીઓનું ઘડતર કરનાર શિક્ષક જ્યારે જીવનના રસ્તા પર કોઈ અજાણ્યા વ્યક્તિના જીવનની રક્ષા માટે પોતાની સલામતી પણ જોખમમાં મૂકે છે, ત્યારે શિક્ષકની ફરજનું સાચું અને વિશાળ સ્વરૂપ સામે આવે છે.

અશ્વિનભાઈએ પોતાની આગવી જાજરમાન ખુમારી, હિંમત અને માનવતાનો પરિચય આપીને શિક્ષક સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા સંવેદનશીલ, નિષ્ઠાવાન અને સાહસિક શિક્ષકો માત્ર વિદ્યાર્થીઓના નહીં, પરંતુ સમગ્ર સમાજના ઘડવૈયા બને છે. આવી માનવતાભરી કામગીરી કરનાર આદર્શ શિક્ષકને ખરેખર સન્માન અને એવોર્ડના હકદાર ગણાવી શકાય તેવી લાગણી સ્થાનિક સ્તરે વ્યક્ત થઈ રહી છે.

ગુડ ન્યુઝ : શિક્ષક અશ્વિનભાઈ સદાતીયાએ પોતાની જિંદગી હોડમાં મૂકી મા-દીકરીને બચાવી