મોરબી : વિકલાંગ વ્યક્તિ પોતાની ખામીને કારણે સામાન્ય માણસની જેમ સ્વમાનભેર જીવી શકતો ન હોય તેની જિંદગી અંધકારમય બની જાય છે. આવા સંજોગોમાં તેનો આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે. તેથી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી સંસ્થાએ એક દિવ્યાંગ વ્યક્તિના જીવનને નવી ઉર્જા આપવાનું પ્રેરણાદાયી કામ કર્યું છે. જેમાં આ સંસ્થા દ્વારા સેવા અને માનવતાના ઉત્તમ ભાવને આગળ વધારતા એક વિશેષ સેવાકાર્ય હાથ ધરી શહેરના એક દિવ્યાંગ લાભાર્થીને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રાઈસિકલ (ત્રિપલ સાયકલ) વિતરણ કરવામાં આવ્યું હતું. આ ટ્રાઈસિકલ મળવાથી દિવ્યાંગ લાભાર્થીને રોજિંદી જિંદગીમાં ગમે તેમ આવાગમન કરવા, આત્મનિર્ભર બનવા તથા સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવન જીવવામાં મદદ મળશે. મુસ્કાન વેલફેર સોસાયટી વર્ષોથી સમાજના વંચિત, નિરાધાર, દિવ્યાંગ અને જરૂરિયાતમંદ વર્ગોને સહાયતા પૂરી પાડવામાં સતત કાર્યરત રહી છે. મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી જણાવવામાં આવ્યું કે, આવનારા સમયમાં વધુને વધુ લોકો સુધી મદદ પહોંચાડવાનો સંકલ્પ સતત રહેશે.