Friday - Oct 02, 2026

ગાંધી જયંતી વિશેષ :ગાંધીજીના મોરબી આગમનથી સ્વદેશી સંગ્રામ સુધીના ઐતિહાસિક સંસ્મરણો

ગાંધી જયંતી વિશેષ :ગાંધીજીના મોરબી આગમનથી સ્વદેશી સંગ્રામ સુધીના ઐતિહાસિક સંસ્મરણો

19 ફેબ્રુઆરી, 1925ના રોજ કાઠિયાવાડ પ્રવાસ દરમિયાન બાપુનું મોરબીમાં સ્વાગત; 1931માં ફૂલચંદભાઈ શાહ અને શિવાનંદજીના નેતૃત્વમાં પરદેશી કાપડના બહિષ્કાર માટે સત્યાગ્રહ

(રવિ બરાસરા): આઝાદીની લડતના ઇતિહાસમાં મોરબીનું સ્થાન માત્ર રજવાડી નગરી પૂરતું સીમિત નથી. મહાત્મા ગાંધીજીની મુલાકાત, સ્વદેશી ચળવળ અને રજવાડી સત્તા સામેના સત્યાગ્રહ સાથે આ ધરતીનો ઐતિહાસિક નાતો જોડાયેલો છે. 19 ફેબ્રુઆરી, 1925ના રોજ કાઠિયાવાડ પ્રવાસ દરમિયાન ગાંધીજી મોરબી આવ્યા હતા. રાજકોટથી મોરબી સુધીના માર્ગે લોકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રવાસ રાજકીય લોકસંપર્કની સાથે તેમના રાષ્ટ્રીય અને સામાજિક વિચારોને વધુ દૃઢ બનાવનારી ભાવુક ક્ષણો સાથે પણ જોડાયેલો હતો.

ગાંધીજીના મોરબી સાથેના સંબંધને આધ્યાત્મિક અને વૈચારિક પૃષ્ઠભૂમિ પણ સાંપડે છે. ટંકારામાં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્વરાજના વિચારો તથા મોરબી નજીકના વવાણિયા ગામ સાથે સંકળાયેલા તેમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રનો પ્રભાવ આ વિસ્તારના ઐતિહાસિક જોડાણને વિશેષ બનાવે છે.

વર્ષ 1931માં મોરબી સત્યાગ્રહ દરમિયાન ફૂલચંદભાઈ શાહ અને શિવાનંદજી સહિતના આગેવાનોએ પરદેશી કાપડના બહિષ્કાર તથા ખાદીના પ્રચાર માટે લડત ચલાવી હતી. તે સમયે જાડેજા વંશના રાજા લખધીરસિંહ ઠાકોરનું શાસન હતું. સત્યાગ્રહીઓની ધરપકડ, હદપારી અને પ્રતિબંધો વચ્ચે ચાલેલી આ લડત અંતે ગાંધીજીના હસ્તક્ષેપથી સમાધાનમાં પરિણમી હતી.

આ ઐતિહાસિક વારસાની સ્મૃતિ આજે પણ મોરબીના ગાંધીબાગમાં સ્થાપિત બાપુની પ્રતિમા સાથે જીવંત છે. આમ, ગાંધીજીના આગમનથી લઈને સ્વદેશી આંદોલન સુધી મોરબીની ધરતી આઝાદીની ચળવળના અનેક મહત્વપૂર્ણ પ્રસંગોની સાક્ષી બની છે.

ગાંધી જયંતી વિશેષ :ગાંધીજીના મોરબી આગમનથી સ્વદેશી સંગ્રામ સુધીના ઐતિહાસિક સંસ્મરણો