માળીયાના બગસરાથી વવાણીયાના નવો રોડમાં પડેલી ખાઈ અને મસમોટાને ખાડાને લોકોએ જાતે બુર્યા
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એકબીજા ઉપર જવાબદારીની ફેંકાફેકી કરતા ગ્રામના અગ્રણીઓ અને લોકોએ પોતાની સલામતી માટે જાત મહેનત જીંદાબાદની કહેવતને સાર્થક કરી
મોરબી : માળીયાના બગસરાથી વવાણીયાના નવો રોડમાં પડેલી ખાઈ અને મસમોટાને ખાડાને બુરવા માટે ગ્રામજનોએ ધ્યાન દોરવા છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એકબીજા ઉપર જવાબદારીની ફેંકાફેકી કરતા ગ્રામના અગ્રણીઓ અને લોકોએ પોતાની સલામતી માટે જાત મહેનત જીંદાબાદની કહેવતને સાર્થક કરીને ખાઈ અને ખાડા જાતે જ બુર્યા હતા.
માળીયા મી તાલુકાના બગસરાથી વવાણીયાને જોડતો નવા નકોર રોડમાં ખાઈ અને મસમોટા ખાડા પડી ગયા હતા. હજુ આ નવા રોડમાં નાલા બનાવવાનુ અમુક કામગીરી બાકી હતી. ત્યારે બગસરા નજીક તળાવની બાજુમાં બનાવેલ નવા નાલા પાસે જીવલેણ મોટી ખાઈ અને ખાડા પડ્યા છે અને નાલા સાઈડમાં રોડની નબળી અને ગુણવતા વગરના રસ્તા બનાવેલ હોય જેથી નાના મોટા વાહનોને અકસ્માત થવાની ભીતી હોવાથી ગામલોકો અને બહારથી આવતા વાહનો છેલ્લા ૫ થી ૬ દિવસથી ગામના અગ્રણીને આ વાત કરીને ખાડા બુરવાની માંગ કરી હતી. જેથી ગામ પંચાયત અગ્રણી દ્વારા તલાટી કમ મંત્રીને ફોન કરતા અને લાગુ પડતાં તંત્રના અધિકારીને ફોન કરી તેમજ નવા રોડના કોન્ટ્રાકટરને જાણ કરી હતી. પણ આ તમામ એકબીજા ખોખો દા રમીને કહેતા કે આ અમારા વિભાગમાં નો આવે. પણ આ જીવલેણ ખાડા કોઈનો ભોગ ન લે તે માટે બગસરા ગામના યુવાનો અને ગામ પંચાયતના હોદ્દેદારો જાત મહેનત,,જીન્દાબાદને સાર્થક કરી સાઈટમાં પડેલી માટી ખાડા અને ખાઈમાં નાખી જાતે બુરવા મજબૂર બન્યા હતા.