મોરબી અને ટંકારા પંથકમાં 2017 વર્ષ પછીથી દર ચોમાસે મેઘરાજા મનમૂકીને વરસીને ધરતી તેમજ જળભંડારોને ધરવી દીધા છે. મેઘરાજાની અનરાધાર કૃપા અને જળભંડારો છલોછલ હોવા છતાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું એક એવું ગામ કે, જે ગામની સ્થપાનાથી જ પાણીના એક એક બુદ માટે તરસી રહ્યું છે. આ ગામ એટલે ટંકારા તાલુકાનું હમીરપર ગામ. આ ગામમાં વર્ષોથી આજદિન સુધી પાણી ખૂબ જ અનિયમિતતાથી આવતું હોય ગ્રામજનોના હાલ બેહાલ થઈ ગયા છે.
ટંકારા તાલુકાના હમીરપર ગામની આમ તો સરેરાશ 3500ની વસ્તી સામે હાલ એક હજાર લોકો રહે છે. આ ગામના લોકોના કહેવા મુજબ 136 વર્ષ પહેલાં વસેલા આ ગામમાં શરુઆતથી જ એટલે કે ગામની સ્થાપના થઇ ત્યારથી પીવાના પાણીની ભયાનક કટોકટી છે. આમ તો આ ગામને આધુનિકતાનો રંગ લાગ્યો છે ખરો. જેમાં મકાનો પાકા, રોડ રસ્તા સારા, લાઈટ, સમાજવાડી, સફાઈ સહિતની સુવિધામાં ગામ સુખી છે, પણ પાણીના અભાવે ગામ કાયમથી રિબાઈ રહ્યું છે. જો કે વરસાદ ઓછો પડે કે વધારે પડે આ ગામની પાણીની સમસ્યામાં તસુભાર જેવો પણ ફરક પડતો નથી. કાયમ પાણી માટે રીતસર જંગની જેમ ઝઝૂમવું પડે છે. કહેવાય છે કે જલ એ જ જીવન છે પણ આ ગામમાં જલની કાયમી પીડા હોવાથી ગામ ક્યાંથી સુખી સંપન્ન હોય ? ગ્રામજનોના કહેવા મુજબ ઘણીવાર આઠ દિવસે તો ક્યારેક અઠવાડિયામાં બે વખત પાણી તેમજ અમુક વખતે બે ત્રણ દિવસે પાણી આવતું હોય એમ પાણી આવવાના કોઈ નેઠા જ ન હોવાથી ગામલોકોને પીવાના પાણી તેમજ વપરાશમાં પણ ભારે કરકસર કરવી પડે છે.
પીવાનું પાણી પણ માંડ મળતું હોય ત્યાં ખેતી માટે ક્યાંથી પાણી મળે ?
હમીરપરમાં પીવાનું પાણી પણ મહામહેનતે મળતું હોય ત્યાં ખેતી માટે ક્યાંથી પાણી મળે ? સિંચાઇ માટે પાણી જ મળતું ન હોવાથી ખેડૂતો એકમાત્ર ચોમાસામાં અને એ પણ માત્ર શાકભાજીઓનો જ પાક લઈ શકે છે. પાણીની વર્ષોની આ પળોજણને કારણે ગામની ખેતી હરિભરી કે સમૃદ્ધ હોવાની માત્ર કલ્પના જ કરવી રહી. એટલે પાણી વિના ખેતી પણ સુકાય ગઈ છે. હમણાં ઘણા વર્ષોથી સારો વરસાદ પડતો હોય અને બધે જ પાણીની સ્થિતિ પણ બહેતર હોવાથી હમીરપર ગામની કાયમની પાણીની પળોજણ દૂર કરવા સંબધિત તંત્ર નિષ્ઠાપૂર્વક કમર કસીને યોગ્ય પ્રયાસો કરે તો આ ગામ પણ ખરા અર્થમાં નંદનવન બની શકે એમ છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું.