મોરબી : મોરબી તાલુકાના મકનસર નજીક નેશનલ હાઇવે ઉપર પાર્ક કરેલા ટ્રક ટ્રેઇલર અને આઇસર ટ્રકમાંથી હમણાં જ ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. પોલીસે આ વાહનોમાંથી ડીઝલની ચોરી કરનાર ટોળકી પૈકી ચાર સાગરીતોને દબોચી લઈને આજે કોર્ટેમાં રિમાન્ડ માટે રજૂ કરતા કોર્ટે આ ચારેય આરોપીઓના 30મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. આથી રિમાન્ડ દરમિયાન વધુ કેટલીક ડીઝલ ચોરીના ભેદ ખુલે તેવી શકયતા સેવાય રહી છે.
મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં કચ્છમાં રહેતા ટ્રક ચાલક રામભાઈ ધરમારામ સાઈ ઉ.વ.31 નામના યુવાને મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર પાસે આવેલ ધરમ કાંટા પાસે ટ્રક ટ્રેઇલર પાર્ક કર્યા બાદ વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં કાળા કલરની બલેનો કારમાં આવેલ ચાર શખ્સોએ તેમના ટ્રકમાંથી તેમજ બાજુમાં પડેલા આઇસર ટ્રકમાંથી રૂપિયા 29,700ની કિંમતના 330 લિટરની ડીઝલની ચોરી કરીને ફરાર થઇ ગયા હત. આ બનાવ અંગે તેઓએ ચાર શખ્સો સામે ટ્રકમાંથી ડીઝલની ચોરી કર્યાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અજાણી બલેનો કારમાં આવેલ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરીને ગણતરીની કલાકોમાં જ ટ્રકમાંથી ડીઝલ ચોરી કરીને ફરાર થયેલા આરોપી અજય છનાભાઈ ચૌહાણ રહે.અમરાપર, સાવલી, વડોદરા, જીગ્નેશ ભરતભાઈ ખેર રહે. મેરુપર, હળવદ, વિક્રમ ભગવાનસિહ ચાવડા અને ધર્મેન્દ્ર પ્રવિણસિંહ પરમાર રહે.ઠાસરા, ખેડા નામના શખ્સોને નંબર પ્લેટ વગરની બલેનો કાર કિંમત રૂપિયા 3.50 લાખ, 11 ડીઝલ ભરવાના ખાલી કેરબા, ડિસમિસ, પકડ તેમજ મોબાઈલ સહિત કુલ રૂપિયા 3,61,450ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ કેસમાં પોલીસે ડીઝલ ખરીદનારા વિરુદ્ધ પણ ગુન્હો દાખલ કર્યો છે ત્યારે અગાઉ ક્યાં ક્યાં ડીઝલ ચોરી કરી તે સહિતની બાબતો ઉપરથી પરદો ઉઠાવવા ચારેય આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચારેય આરોપીઓને 30મી સુધીના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.