મોરબી જિલ્લામાં આપઘાત, અકસ્માત અને હાર્ટ એટેકથી પાંચ વ્યક્તિના મોત થયાનું સામે આવ્યું છે. પ્રથમ બનાવમાં મોરબીના રવાપર – ઘુનડા રોડ ઉપર ગાયત્રી સ્ટોન પાસે સંભારની વાડીમાં રહેતા લલિતાબેન અમરશીભાઈ પરમાર ઉ.22 નામની પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક લલિતાબેનના સાત માસ પૂર્વે જ લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબીના રેલવે સ્ટેશન પાછળ રોહિદાસપરા વિસ્તારમાં રહેતા પૂનમબેન જેરામભાઈ શુક્લ ઉ.વ.19 નામની યુવતીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, બ્યુટીપાર્લરનું કામ કરતા તેમના મોટા બહેન અંજલીબેન જેરામભાઈ શુકલને રાજકોટ કામનો ઓર્ડર મળ્યો હોવાથી ગત તા.7ના રોજ સવારના સમયે પોતાનું મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે ટંકારા તાલુકાના મિતાણા ગામના ઓવરબ્રિજ ઉપર જીજે – 06 – એઝેડ – 8676 નંબરના ટ્રક ચાલકે અંજલીબેનના મોટર સાયકલને હડફેટે લેતા અંજલીબેનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના અકાળે અવસાન થવાના પ્રથમ કિસ્સામાં શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણ નગરમાં રહેતા હીમાંશુભાઈ મહેશભાઈ નકુમ અષાઢી બીજના તહેવારને લઈ ઘરની બાજુમાં આવેલ માતાજીના મઢની સફાઈ કરતા હતા ત્યારે ચક્કર આવ્યા બાદ ઢળી પડતા મૃત્યુ નીપજ્યું હતું અને મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની બાજુમાં ભાડાના મકાનમાં રહેતા અશોકભાઓ જયંતીલાલ ઉઘરેજા ઉ.55 નામના આધેડને પાંજરાપોળ નજીક અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. મોરબી તાલુકાના ચકમપર ગામ નજીક આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતાં ચિરાગ શંકરભાઇ બાવરવા ઉ.31 રહે.અણિયારી ગામ નામના યુવાનનું મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.