હળવદ : હળવદ તાલુકાના ચરાડવા અને આંદરણા ગામ વચ્ચે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં રણછોડગઢ ગામના તાલુકા પંચાયતના સદસ્ય સહિત પાંચ વ્યક્તિઓ કાળનો કોળિયો બની જતા નાના એવા ગામમાં પાંચ પાંચ વ્યક્તિના મોતથી ભારે અરેરાટી સાથે હૃદયદ્રવક દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવમાં વિધિની વિચિત્ર વક્રતા એ છે કે, અકસ્માતમાં ઘાયલ પુત્રને સારવાર અર્થે લઈ જતી વખતે તેના પિતા સહિતના લોકોની કારને ડમ્પર સાથે અકસ્માત થતા પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતા.
ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રણછોડગઢ ગામના દિલીપ ભગવાનભાઈ ડઢૈયાનો 24 વર્ષીય પુત્ર પરેશ હળવદથી પરત ફરતો હતો ત્યારે માનસર પાસે તેનું બાઇક સ્લિપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં તેના પિતા દિલીપભાઈ તેમજ ગામના અન્ય 5 આગેવાનો કાર લઈને હળવદ હોસ્પીટલે પહોંચ્યા હતા. ઘાયલ પરેશને કારમાં બેસાડીને તમામ 7 લોકો તેને વધુ સારવાર માટે મોરબી લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચરાડવા બહાર નીકળતા હાઈવે પર તેમની કારને ડમ્પર સાથે ગોઝારો અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં બેઠેલા સુરેશ વિસાભાઈ સિહોરા (ઉં.વ.45), વિરમ ભીમાભાઈ ડઢૈયા (ઉં.વ.28),પરેશ દિલીપભાઈ ડઢૈયા (ઉં.વ.24),પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયા(તાલુકા પંચાયત સદસ્ય હળવદ) અને ભરતભાઈ પ્રેમજીભાઈ ડઢૈયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે પ્રકાશ અમીરભાઈ ડઢૈયા (ઉપસરપંચ, રણછોડગઢ ગ્રામ પંચાયત),દિલીપભાઈ ભગવાનભાઈ ડઢૈયાને ઇજાઓ પહોંચતા તેમને મોરબી અને રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આ ગોઝારા અકસ્માતની ઘટનાને પગલે ઠાકોર સમાજમાં ભારે શોક વ્યાપી ગયો હતો.