મોરબી : મોરબી તાલુકાનાએ મકનસર ગામે રહેતા યુવકે તેના જ ગામના વતની એવા ગેરેજ સંચાલકને આઠ મહિના પહેલા આપેલા રૂ.2000 પરત માંગતા આરોપીને સારું નહિ લાગતા ગેરેજ સંચાલક અને અન્ય એક શખ્સે યુવક પર પાઈપથી હુમલો કરી હાથની આંગળી ભાંગી નાખતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મોરબીના પ્રેમજીનગર મકનસર ગામે રહેતા મૂળ હળવદના માથક ગામના વતની સુરેશ દેવજીભાઈ ચાવડા ઉ.વ.34એ આરોપી જયેશ વેલજીભાઈ શેખવા અને આરોપી લાલો પોપટભાઈ રાણવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આઠેક મહિના પૂર્વે ફરિયાદી સુરેશભાઈએ આરોપી જયેશને રૂ.2000 હાથ ઉછીના આપ્યા હોય જેથી ગઈકાલે આરોપીના ગેરેજે જઈ રૂપિયા પરત આપવાનું કહેતા આરોપીને સારું લાગ્યું ન હતું. બાદમાં આરોપીએ ગાળો આપી ઝઘડો કરી લોખંડના પાઇપ વડે બેફામ માર મારતા શરીરે મૂંઢ ઇજાઓ તેમજ હાથની આંગળીના ભાગે ફ્રેક્ચર કરી નાખ્યું હતું.બનાવ અંગે પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.