મોરબીમાં વર્ષોની માંગણી અંતે મેડિકલ કોલેજને મંજૂરી તો મળી પણ હજુ આ કાયદેસરની મેડિકલ કોલેજના બાંધકામનું કામકાજ ચાલુ હોવાથી અન્ય જગ્યાએ મેડિકલ કોલેજ ચાલતી હોવાની વચ્ચે આજે જાણે મોરબી પર દુર્ઘટનાઓની ઘાત ઉતરી પડી હોય એમ મોરબી કંડલા હાઇવે ઉપર બ્રિજમાં ગાબડું પડ્યા બાદ આજે રાત્રે નવી બની રહેલી મેડિકલ કોલેજનો મસમોટો સ્લેબ તૂટી પડતા તેના કાટમાળ હેઠળ પાંચ જેટલા મજૂરો દટાઈ ગયા હતા. આ દુર્ઘટનાને પગલે તુરત જ રાહત અને બચાવનું કામ શરૂ કરે દેવતા 4 મજૂરોનો જીવ બચાવી લેવાયો છે અને હજુ પણ એક મજૂર આ સ્લેબ નીચે દટાયેલો હોય તેને બચાવવા માટે રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે
મોરબી રાજકોટ હાઇવે ઉપર શનાળા નજીક સરકાર દ્વારા કરોડોના ખર્ચે ભવ્ય મેડિકલ કોલેજ બનાવવાનું બાંધકામ ચાલી રહ્યું હોય અને આજે આ નવી બની રહેલી મેડિકલ કોલેજના બીજા માળની છત ભરવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આજે આ મેડિકલ કોલેજના બીજા માળની છત ભરવાના ટેકા રૂપે રખાયેલા લાકડાના મજબૂત ટેકાઓ ખસી ગયા હોવાથી નવી ભરેલી છતનો સિમેન્ટ કોક્રેટ, લોખડ સહિતનો મોટો સ્લેબ નીચે ઘસી પડ્યો હતો. જેના હેઠળ પાંચ જેટલા મજૂરો દટાઇ ગયા હતા. આથી તૂરત જ રાહત અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબીના ફાયર બ્રિગેડ સહિતના સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ અને સ્થાનિક લોકોની મદદથી સ્લેબ હેઠળ દટાયેલા ત્રણ મજૂરોને બચાવી લેવાયા હતા અને હજુ પણ એક શ્રમિક ફસાયેલો હોય તેને બચાવવની કામગીરી હાલ ચાલી રહી છે.
કોન્ટ્રાક્ટરોની બેદરકારી હોવાનો મજૂરોનો આક્ષેપ
નવી બનતી મેડિકલ કોલેજની છત ઘસી પડતા પાંચ વ્યક્તિ દટાઈ ગયાની ઘટનામાં મજૂરોએ કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટરો બેદરકારીને કારણે રેસ્કયુ ઓપરેશનમાં ઘણો જ વિલંબ થયો હતો. જેમાં કોન્ટ્રાક્ટરોએ માત્ર એક જ ગેસ કટર રાખતા બીજાને બચાવવામાં વધુ ગેસ કટર ન હોવાથી રાહત અને બચાવની કામગીરીમાં વિલંબ થયો હતો.
સરકારી કામો નબળા કરનાર દોષિત કોઈપણ હશે તો પણ તેને છોડાશે નહિ
નવી બનતી મેડિકલ કોલેજની દુર્ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલા ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટનાના ન્યુઝ સાંભળીને તેઓ તૂરત દોડી આવ્યા હોય ઘટનાસ્થળનું નિરુક્ષણ કરી આ ઘટનામાં જે પણ એટલે એન્જિનિયર, કોન્ટ્રાક્ટર કે, સરકારી અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ સંડોવાયેલો હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવા સરકારનું ધ્યાન દોરશે. તેમજ આજની પુલ દુર્ઘટના બાદ આ બીજી મેડિકલ કોલેજની દુર્ઘટનામાં જે પણ કોઈ સંડોવાયેલો હશે તો કાયદાકીય કાર્યવાહી કરવા સરકારને ભલામણ કરશે. તેમજ આવા લોકહિતના કામોમાં ભ્રષ્ટાચાર કરનાર કદાચ નાની માછલીનો ભોગ લેવાતો હોય અને મગરમચ્છોને બચાવી લેવાતા હોવાના મીડિયાના સવાલના જવાબમાં તેમણે એક પ્રજાના સેવક તરીકે આવી દુર્ઘટનામાં પ્રજાહિતનું ભલું જ જોતા હોય અને દોષિત કોઈપણ હોય એટલે કદાચ કોઈ હાઈ પ્રોફાઈલ વગ ધરાવતો હશે તો પણ તેને છોડવામાં આવશે નહિ એવો મીડિયા સમક્ષ દાવો કર્યો હતો.