આખી હાઇસ્કુલની તમામ દીવાલોમાં મસમોટી તિરાડો, છતમાંથી વારંવાર ટપકતા "મોત" ના ગાબડા, ગમે ત્યારે બિલ્ડીંગ ધારાશાહી થાય તેવી નાજુક પરિસ્થિતિને કારણે 100 વિદ્યાર્થીઓની સલામતી રામભરોસે
(રવિ બરાસર) : માળીયા મિયાણાની એકમાત્ર ગ્રાન્ટેડ હાઇસ્કુલમાં જીવના જોખમે ભણતર ચાલતું હોવાની ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. જેમાં 2001ના વિનાશક ભૂકંપમાં માળિયામાં આવેલી ગ્રાન્ટેડ જોષી હાઇસ્કુલ મોટાપાયે ખંડિત થઈ ગઈ હતી. આથી ભૂકંપ પછી એક સંસ્થાએ આ હાઇસ્કુલનું નિવનિર્માણ કર્યું હતું. પરંતુ આ નવી જોશી હાઇસ્કુલ ધીરેધીરે ફરી જર્જરિત થવા લાગી અને આ ગ્રાન્ટેડ હાઇસ્કુલ નવી બન્યાને આજે 25 વર્ષના ગાળામાં એટલી હદે જર્જરિત અને જોખમી બની ગઈ છે કે આ હાઇસ્કુલના ઇમારતની આસપાસ પણ જઈ શકાય એમ નથી. આવી ગંભીર પરિસ્થિતિ છતાં 100 જેટલૉ વિદ્યાર્થીઓ "મોત" ના ઓછાયા હેઠળ ભણી રહ્યા છે. જોશી હાઇસ્કુલની આખી ઇમારત સડી ગઈ છે. આ ઇમારતની તમામ દીવાલોમાં ઉભા ફાડીયા જેવી મસમોટી અનેક તિરાડો પડી ગઈ છે. તેમજ દીવાલોમાં ગાબડા પડી ગયા છે. ઇમારતની છત ઉપર ગાબડાં પડી જવાથી તમામ સળિયા દેખાવા લાગ્યા છે અને વારંવાર મોટા ગાબડાં કે નાના પોપડા પડે છે. આ રીતે શાળાની આખી ઇમારત એટલી હદે જોખમી થઈ ગઈ છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આવી નાજુક પરિસ્થિતિ હોવા છતાં કલેકટર તંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગ શાળાની ગંભીર હાલત વિશે અજાણ હોવાનું કહે છે. જો કે આ શાળાનું સંચાલન એક ટ્રસ્ટ પાસે હોવાથી જિલ્લા શિક્ષણ વિભાગે સમગ્ર જવાબદારી ટ્રસ્ટ ઉપર ઢોળીને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા છે. તેથી જર્જરિત શાળામાં જીવના જોખમે ભણતા ધો.9 અને ધો.10ના કુલ 100 જેટલા વિદ્યાર્થીઓની સલામતી રામભરોસે મુકાય ગઈ છે.
ગ્રાન્ટેડ હાઈસ્કૂલ 'ભંગાર' હાલતમાં છતાં ટ્રસ્ટ કે તંત્ર બેધ્યાન
માળિયાની એકમાત્ર ગ્રાન્ટેડ હાઇસ્કુલના છત પરથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે. લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. આ જર્જરિત ઈમારતમાં અંદાજે 100 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓ અને શિક્ષકો દરરોજ પોતાના જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. આ શાળા બન્યાને બે દાયકાથી વધુ સમય વિતી ગયો હોય આજે આ ઈમારતની ભીંતોમાં પડેલી મોટી તિરાડો અને છતની હાલત જોતા એમ લાગે છે કે કોઈ મોટી દુર્ઘટના ગમે ત્યારે ઘટી શકે એમ છે. ઘણીવાર વિદ્યાર્થીઓ વર્ગખંડ છોડી મેદાનમાં ભણવા મજબૂર બને છે.
ઇકબાલભાઈ સંધવાણી, જાગૃત નાગરિક
"અમે અમારા બાળકોને ભણવા મોકલીએ છીએ કે, મોતના મુખમાં ?
"અમે અમારા બાળકોને ભણવા મોકલીએ છીએ કે મોતના મુખમાં ? જો ભણતા-ભણતા કોઈ દુર્ઘટના સર્જાશે તો તેનો જવાબદાર કોણ?" તેવો એક ચિંતિત વાલીએ બળાપો ઠાલવ્યો હતો. શહેરની એકમાત્ર ગ્રાન્ટેડ શાળા હોવા છતાં તેની આટલી બદતર હાલત તંત્રની ઉદાસીનતા છતી કરે છે. એક તરફ સરકાર 'કન્યા કેળવણી' અને 'ગુણોત્સવ' જેવા કાર્યક્રમો પાછળ કરોડોનો ધુમાડો કરે છે, ત્યારે બીજી તરફ માળિયા મિયાણાના 100 બાળકોના માથે મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? શું આ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સુરક્ષિત ભણતર મેળવવાનો અધિકાર નથી ?
વિદ્યાર્થીઓની સુરક્ષામાં કોઈ ખામી ન હોવાનો દાવો
અગાઉ માળીયા રહેતા અને હાલ મોરબી રહેતા જોશી પ્રાઇવેટ ટ્રસ્ટના સંચાલક અરુણાબેન જોશી આ શાળાનું સંચાલન કરે છે. પણ સ્ટાફનો પગાર સહિત તમામ કામગીરી સરકાર હસ્તક છે. વર્ષ 1957માં આ શાળાનું નિર્માણ થયું હતું. હવે શાળાનું બાંધકામ નબળું હોવાથી પોપડા ખરે છે. પણ હાઇસ્કુલનો હોલ એકદમ સુરક્ષિત હોવાથી આ હોલના વિશાળ રૂમમા વિદ્યાર્થીઓને બેસાડીને ભણાવીએ છીએ. હોલ અને રૂમ સારો હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષામાં કોઈ ખામી નથી. જો કે શાળાનું બિલ્ડીંગ જર્જરિત હોવાનું ટ્રસ્ટને ધ્યાન દોર્યું છે અને ટ્રસ્ટી અવારનવાર શાળાની વિઝીટે આવતા જ હોય એમને પરિસ્થિતિ ખબર જ હોય આ કામ ટ્રસ્ટને કરવાનું હોય હું તો માત્ર કર્મચારી છું.
હીરેન વાઢીયા, જોષી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ
ટ્રસ્ટ સંચાલિત હોય એટલે સરકારની જવાબદારી જ નથી.
માળીયાની એ સ્કૂલની હલતની ખબર નથી. પણ જાણીને તપાસ કરીને નોટિસ આપવા સહિતની કાર્યવાહી કરાશે. જો કે. એ હાઇસ્કુલ ટ્રસ્ટ સંચાલિત હોય એટલે એના રીનોવેશનની જવાબદારી ટ્રસ્ટની હોય સરકારની ન હોય. એટલે શાળાનું રિપરીગ ટ્રસ્ટને કરવાનું હોય છે અને જ્યાં વિદ્યાર્થીઓની સલામતીની વાત આવે તો આ ગંભીરતાને લઈને જિલ્લા શિક્ષણ વિભાગ ટ્રસ્ટને નોટિસ ફટકારી ચોમાસા પહેલા રીનોવેશન કરવાની તાકીદ કરશે.
કમલેશભાઈ મોતા, જિલ્લા શિક્ષણાધિકારી મોરબી