Saturday - Aug 08, 2026

જેતપરના વીજ વળતર મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ વેગવંતો, ગામેગામ ભાજપ સામે ‘નો એન્ટ્રી’ના બેનર

જેતપરના વીજ વળતર મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ વેગવંતો, ગામેગામ ભાજપ સામે ‘નો એન્ટ્રી’ના બેનર

બે મહિનાથી સરકાર સામે લડત છતાં મચક નહીં આપતા ખેડૂતોનો આક્રોશ વધ્યો; આંદરણા-ખરેડામાં ખેડૂત સભા, 2027માં ભાજપ ઉમેદવારોને મત માંગવા નહીં આવવા ચીમકી

મોરબી : મોરબીના જેતપર ગામે વીજ કંપનીઓની વીજ લાઈન નાખવા સામે ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલો સત્યાગ્રહ બે મહિના બાદ વધુ વેગવંતો બન્યો છે. ખેડૂતોને ચાર ગણું વળતર ચૂકવવું, મોબાઈલ ટાવરની જેમ વીજપોલ માટે જમીનનો કાયમી ભાડો ચૂકવવો તેમજ વીજ લાઈન અને વીજપોલની સલામતી સહિતની માંગણીઓને લઈને શરૂ થયેલી લડત હવે માત્ર જેતપર પૂરતી સીમિત ન રહેતા આસપાસના ગામોમાં પણ ફેલાઈ રહી છે. સરકાર અને વીજ કંપનીઓ તરફથી માંગણીઓ અંગે મચક ન મળતાં ખેડૂતોમાં રોષ વધ્યો છે અને હવે અનેક ગામોમાં ભાજપ વિરોધી વલણ ખુલ્લેઆમ સામે આવી રહ્યું છે.
 
જેતપરના વીજ વળતર મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ વેગવંતો, ગામેગામ ભાજપ સામે ‘નો એન્ટ્રી’ના બેનર

આંદરણા-ખરેડામાં મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરી

જેતપરના આંદોલનને વધુ મજબૂતી આપવા ગત રાત્રે મોરબીના આંદરણા અને ખરેડા ગામે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બંને ગામમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં વીજ લાઈન માટેના નવા ઠરાવનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વીજ કંપનીઓ સામે ચાલી રહેલા જેતપરના ખેડૂત આંદોલનને સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.

સભા બાદ બંને ગામમાં ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશબંધી ફરમાવતા બેનરો લગાવવામાં આવ્યા હતા. ખેડૂતો દ્વારા સરકાર સુધી પોતાનો વિરોધ પહોંચાડવા માટે હવે ગામેગામ સંગઠિત રીતે આ પ્રકારના બેનરો લગાવવાની શરૂઆત કરવામાં આવી છે.
 
જેતપરના વીજ વળતર મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ વેગવંતો, ગામેગામ ભાજપ સામે ‘નો એન્ટ્રી’ના બેનર

પાંચ ગામમાં ‘નો એન્ટ્રી’, 2027ની ચૂંટણીનો પણ ઉલ્લેખ

મોરબી તાલુકાના આંદરણા અને ખરેડા ઉપરાંત માળિયા તાલુકાના જુના ઘાટીલા, વેજલપર અને લક્ષ્મીવાસ ગામમાં પણ ભાજપ નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે જો વીજ લાઈનના વળતર મુદ્દે તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને ખેડૂતોના હિતમાં નવો પરિપત્ર જાહેર કરવામાં નહીં આવે તો આગામી 2027ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારોએ મત માંગવા માટે ગામમાં આવવું નહીં. આ રીતે વીજ વળતરના મુદ્દે શરૂ થયેલો વિરોધ હવે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય વિરોધના સ્વરૂપમાં પણ આગળ વધી રહ્યો છે.
 
જેતપરના વીજ વળતર મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ વેગવંતો, ગામેગામ ભાજપ સામે ‘નો એન્ટ્રી’ના બેનર

ચાર ગણું વળતર, કાયમી ભાડું અને સલામતી મુખ્ય માંગ

ખેડૂતોની લડત પાછળ મુખ્યત્વે વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાંથી વીજ લાઈન અને વીજપોલ પસાર કરવા બદલ મળતા વળતરનો મુદ્દો છે. ખેડૂતોની માંગ છે કે જમીન માલિકોને ચાર ગણું વળતર ચૂકવવામાં આવે, જ્યારે વીજપોલ માટે જમીનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે મોબાઈલ ટાવરની જેમ કાયમી ભાડાની વ્યવસ્થા કરવામાં આવે.

આ ઉપરાંત વીજ લાઈન અને વીજપોલને કારણે ખેડૂતો તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઊભા થતા સલામતીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે.

જેતપરના વીજ વળતર મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ વેગવંતો, ગામેગામ ભાજપ સામે ‘નો એન્ટ્રી’ના બેનર

‘માગ નહીં સંતોષાય ત્યાં સુધી લડત ચાલુ’નો મિજાજ

જેતપરથી શરૂ થયેલી આ લડતને બે મહિના પૂર્ણ થવા છતાં સરકાર અને વીજ કંપનીઓ તરફથી ખેડૂતોની મુખ્ય માંગણીઓ અંગે સંતોષકારક નિર્ણય ન લેવાતા હવે ખેડૂતોનો આક્રોશ વધુ ગામોમાં પહોંચ્યો છે. એક તરફ જેતપર ખાતે સત્યાગ્રહ ચાલુ છે તો બીજી તરફ આસપાસના ગામોમાં ખેડૂત સભાઓ યોજાઈ રહી છે અને નવા ઠરાવના વિરોધમાં ઠરાવો તથા બેનરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

ખેડૂતોના આ વલણથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે વીજ વળતરનો મુદ્દો હવે માત્ર જમીનના વળતર પૂરતો રહ્યો નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર અને ભાજપ સામે વધતા અસંતોષના મુદ્દા તરીકે પણ આકાર લઈ રહ્યો છે. આવનારા દિવસોમાં વધુ ગામો આ લડતમાં જોડાય છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
 
જેતપરના વીજ વળતર મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ વેગવંતો, ગામેગામ ભાજપ સામે ‘નો એન્ટ્રી’ના બેનર
જેતપરના વીજ વળતર મુદ્દે ખેડૂતોનો સત્યાગ્રહ વેગવંતો, ગામેગામ ભાજપ સામે ‘નો એન્ટ્રી’ના બેનર