વીજ લાઈન નીકળ્યા બાદ ખેડૂતોને અનેક નુકસાન સહન કરવા પડતા હોવાથી વધુમાં વધુ વળતર આપવાની માંગ સાથે ખેડૂતોનું કલેકટરને આવેદન
મોરબી : કચ્છથી જામનગર સુધીની રિલાયન્સની હેવી વીજલાઈન નાખવામાં આવી રહી છે. જે લાઇન માળિયા મિયાણા તાલુકામાંથી પણ નીકળી રહી છે. ત્યારે તાલુકાના તમામ ખેડૂતોને યોગ્ય વળતર આપવા મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.
આ આવેદનમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે હેવી વીજલાઇનથી થઈ રહેલ નુકશાની નો સાચો અંદાજ મેળવવામાં આવે. વીજલાઇન પસાર થવાથી ખેડુતોને થતા નુકસાન જોઈએ તો ખેતીલાયક જમીન ઓછી થવી, બજાર કિંમતમાં 50%નો ઘટાડો, ફળદ્રુપતામાં ઘટાડો, વીજ કરન્ટ લાગવાનો ભય, જમીન બિનખેતીનાં થઈ શકે આવા નુક્સાનો થાય છે. તેને ધ્યાને રાખીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેમજ યોગ્ય પ્રોસિઝરનું પાલન કરવામાં આવે તેવી માંગ છે.
વધુમાં ખેડૂતોએ માંગ ઉઠાવી છે કે કેન્દ્ર સરકારનાં પાવર વિભાગની માર્ગદર્શિકા ધ્યાનમાં લેવામાં આવે, અન્ય રાજ્યોમાં ચૂકવવામાં આવતા વળતરનો અભ્યાસ કરીને તેને ધ્યાનમાં લેવામાં આવે, ખેડુતોને યોગ્ય માર્ગદર્શન સમજણ-સલાહ-સુચન સંપૂર્ણ સાહિત્ય (રેકર્ડ) પ્લાન નકશા નોટિસ વગેરે આપવામા આવે, રાજ્યમાં સને- 2017, 2019, 2021 અને 2024માં વિવિધ હેવી વીજલાઈન પસાર થઈ છે તેમા ચુકવેલ વળતરનો અભ્યાસ કરીને તે ધ્યાનમાં લેવામાં આવે, વીજપોલનું માસિક ભાડું નક્કી કરવામા આવે, કંપનીમા ખેડૂતોને ભાગીદારી (શેર) આપવામા આવે. સરકાર સરકારી જમીન ફાળવણી કરે ત્યારે જમીન વપરાશ હેતુ ધ્યાનમા રાખીને જમીનનો ભાવ નક્કી કરે છે આમાં પણ તે પદ્ધતિ ધ્યાનમા રાખવામા આવે તેવી માંગ કરાઈ છે.
નંદલાલ કૈલાએ જણાવ્યું કે અત્યારે માળિયા મિયાણા તાલુકાના 500થી વધુ ખેડૂતો આવેદન આપવા આવ્યા છે. રિલાયન્સની કચ્છથી જામનગરની લાઈન નીકળી રહી છે. તેમાં ખેડૂતોને નોટિસ આવવા લાગી છે. ખેડૂતો ભયભીત થયા છે. જેથી આ આવેદન આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર તેમજ મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પણ હૈયા ધારણા આપી છે કે અગાઉ જે વળતર ચૂકવાયું છે તેનાથી વધુ વળતર માટે પ્રયત્નો કરીશું. અત્યારે 979 પ્રતિ સ્કે.મીટર વળતર જિલ્લા કલેક્ટર દ્વારા કરી આપવામાં આવ્યું છે.
નાના ભેલા ગ્રામ પંચાયતના સરપંચ ભાવિકભાઈ કાવરે જણાવ્યું કે નાના ભેલા, મોટા ભેલા, નાના દહીંસરા, મોટા દહીંસરા, ભાવુપર સહિતના ગામોના ખેડૂતો આવ્યા છે. વિકાસ સામે કોઈ વાંધો નથી. પણ ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે આવેદન આપવા આવ્યા છીએ. કલેક્ટરે હકારાત્મક અભિગમ દાખવ્યો છે. વધારાનું વળતર અપાવવાના તેઓ પ્રયાસ કરશે તેવું કહ્યું છે.
મોટા ભેલાના ખેડૂત બાલુભાઈ સરડવા જણાવ્યું કે 5થી 10 વિઘા જમીન વાળા ખેતરમાં જો આ થાંભલો આવે તો જમીનની કોઈ વેલ્યુ રહેતી નથી. ખેડૂતો કામ કરવામાં પણ તકલીફ પડે છે. જોખમ પણ વધુ રહે છે. માટે પૂરતું વળતર મળવું જોઈએ. નાના ભેલા ગામના ખેડૂત હિંમતભાઈ કાવરે જણાવ્યું કે વળતરને લઈને ખેડૂતો જાગૃત થાય અને એકતા જળવાય રહે તેવો અમારો પ્રયાસ છે. સરકાર તરફથી પણ સહયોગ મળી રહ્યો છે. કંપનીઓની નીતિ એકને ગોળ અને એકને ખોળ જેવી છે. તમામ ખેડૂતોને એકસરખું વળતર આપવું જોઈએ. છેવાડાના ગામોના દરિયાકાંઠે પુષ્કળ ફાજલ જમીન છે. ત્યાંથી લાઈન લઈ જાય તો કોઈ જોખમ રહે નહીં. અમારી માંગ સ્વીકારવામાં નહિ આવે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે લડત આપીશું.