મોરબીમાં વર્ષોથી સારો કહી શકાય એવો એકેય માર્ગ નથી. જો કે નવા રોડ તો બને છે. જેમાં લખ લૂંટ ખર્ચ થાય છે. પણ તંત્રની રોડ બનાવવા માટેની કામગીરી લોટ, પાણીને લાકડા જેવી હોય છે. જેથી રોડ દર ચોમાસામાં તૂટી જાય છે. આ વખતે પણ એવું જ થયુ છે.ગતરાતથી આજ સવાર સુધી અવિરતપણે વરસાદ પડ્યો હતો. પણ જોરદાર કે ધોધમાર વરસાદ પડ્યો ન હતો. તો તો કદાચ માર્ગો અને મોરબી શહેરનો નકશો જ બદલાય જાત, પણ એકદમ ધીમીધારે સામાન્ય વરસાદ પડ્યો એમાં પણ સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. હજારો વાહનો પસાર થતા હોય એવા માર્ગોની સ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે. જેમાં મુખ્ય માર્ગોમાં શાક માર્કેટ સામે ગાંધીચીક રવાપર રોડ તરફ જવાનો માર્ગ, સિવિલ હોસ્પિટલથી વિજય ટોકીઝ સુધીનો માર્ગ,નહેરુ ગેઇટ ચોક, ગાંધીચોક, ગ્રીનચોક, લોહાણા ભવનની સામે સિવિલ હોસ્પિટલ સામેનો માર્ગ, ગાંધીચોકથી શનાળા રોડ સહિતના માર્ગો નદીના વહેણ બની ગયા છે. આ માર્ગો ઉપર પાણી ભરાયા છે અને ઉપર પાણી અને નીચે ખાડા હોય વાહન ચાલકોની કેવી દશા થતી હશે એની કલ્પના પણ ન થઈ શકે . આમ છતાં પણ તંત્રએ હંમેશની માફક તમાશો જોવા સિવાય કશું જ કર્યું નથી. તેથી લોકોની હાલત કફોડી બની ગઈ છે.