Thursday - Jul 02, 2026

મોરબી જિલ્લામાં વીજ બિલ ભરપાઈ નહિ કરનારનું 25મીએથી વીજ કનેક્શન કટ

મોરબી જિલ્લામાં વીજ બિલ ભરપાઈ નહિ કરનારનું 25મીએથી વીજ કનેક્શન કટ

વીજ બીલ ભરવામાં ઉદાસીનતા દાખવતા જવાબદારો સામે કાર્યવાહી કરવા 210 ટીમો ત્રાટકશે

મોરબી : મોરબી જિલ્લામાં નિયત સમયમાં વીજ બિલ ભરવામાં ઉદાસીનતા દાખવતા જવાબદારો સામે પીજીવીસીએલ તંત્રએ લાલ આંખ કરી છે અને જિલ્લામાં વીજ બિલ ભરવામાં બાકી હોય એવા લોકોને 25 ફ્રેબ્રુઆરી પહેલા વીજ બિલ ભરપાઈ કરી દેવા પીજીવીસીએલ તંત્રએ તાકીદ કરી છે. નહિતર 25મીએથી વીજ કનેક્શન કટ કરવાની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે અને આ કાર્યવાહી કરવા માટે વીજ તંત્રની 210 ટિમો ત્રાટકશે.

મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીએ મોરબી જિલ્લાના તમામ તાલુકા, શહેર અને ગામોમાં વીજ બિલ નિયત સમયમાં ભરવામાં રીતસરની નાદારી કરતા હોય એવા લાપરવાહ ગ્રાહકોને સૂચના આપી છે કે, જે ગ્રાહકોએ પોતાના વીજબીલની બાકી નીકળતી રકમ નિયત સમયમર્યાદામાં ભરપાઈ કરી નથી, તેઓએ 25 ફ્રેબ્રુઆરી પહેલા પોતાની બાકી રકમ ભરી દેવી. જો સમયગાળા એટલે 24 ફ્રેબ્રુઆરી સુધી જે ગ્રાહકો વીજ બિલ નહિ ભરે તો 25ના રોજ તેમનું વીજ કનેક્શન કટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં રહેણાંક (ઘર), દુકાન, ઓફિસ, મીલ, કંપની તેમજ ખેતીવાડી સહિતના તમામના બાકી વીજ બીલને કોઈ કાળે ચલાવી નહિ લેવાય. તેથી સમગ્ર મોરબી જિલ્લામાં બાકી બિલ ધરાવતા ગ્રાહકોના વીજ કનેક્શન કાપવાની કડક કામગીરી માટે પીજીવીસીએલની અંદાજીત 210 ટિમોનું ગઠન કરાયું છે.