Sunday - Jul 12, 2026

મોરબી શહેરી વિસ્તારોના આઠ રોડ રૂ.30.75 કરોડના ખર્ચે નવા બનશે

મોરબી શહેરી વિસ્તારોના આઠ રોડ રૂ.30.75 કરોડના ખર્ચે નવા બનશે

મોરબી : મોરબીમાં ઘણા સમયથી શહેરી વિસ્તારોના રોડ રસ્તા ખરાબ છે.આથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. આવી પરિસ્થિતિમાં મોરબી માટે રાહતજનક સમાચાર આવ્યા છે. જેમાં મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના આઠ જેટલા ખખડધજ માર્ગોનું નવીનીકરણ થશે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વિવિધ 8 રોડના કામને 30.75 કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

મોરબી મહાનગરપાલિકાના સિવિલ અને સિટી બ્યુટીફિકેશન શાખા દ્વારા મળતી વિગતો અનુસાર મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ શહેરના 8 જેટલા રોડને નવા નકોર બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં શહેરના લીલાપર રોડના વાયડનીંગ સાથે ડામર રોડનું કામ, શનાળા રોડ (કન્યા છાત્રાલય રોડ)થી બાયપાસ સુધી સી.સી. રોડનું કામ, વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ સોસાયટી સુધી સી.સી. રોડનું કામ, માધાપર મેઇન રોડ સી.સી. રોડનું કામ, વીસી ફાટકથી અમરેલી રોડ સુધી રોડનું કામ, વેલનાથ ચોકથી નેશનલ હાઈવે સુધી સી.સી. રોડનું કામ, કેસરબાગથી એલ. ઈ. કોલેજ સુધી સી.સી. રોડનું કામ અને વજેપર મેઇન રોડ સી.સી. રોડના કામ માટે સરકારમાંથી 30.75 કરોડની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જો કે આ રોડના કામો ક્યારે શરૂ કરાશે તેની હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. જ્યારે પણ આ રોડની કામગીરી શરૂ થશે ત્યારે લોકો ખરાબ રોડની હાલાકીમાંથી મુક્તિ મળશે.