મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતી માધુરી લાલજીભાઈ સોલંકી નામની દિકરીને AVN નામક ગંભીર બિમાર લાગુ પડી છે. જેથી તે હાલ પથારીવશ છે. ત્યારે આ દીકરી સામાન્ય પરિવારની હોવાથી ગંભીર બીમારીનો ઇલાજનો ખર્ચ પહોંચી વળે એમ નથી. આ દિકરીને સારવાર માટે અંદાજિત 15 લાખથી વધુનો ખર્ચ થાય તેમ છે. તે માટે લોકોને મદદ માટે અપીલ કરવામાં આવી છે. આથી સોશ્યલ મીડિયામાં આ દિકરીના બિમારી અંગેનો વિસ્તૃત અહેવાલ વહેતો કરાતા અત્યાર સુધીમાં માધુરીબેન સોલંકીને રૂ.2.80 લાખ જેટલી મદદ મળી ચુકી છે. આ દિકરીની બિમારી અંગેના સમાચાર પ્રસારિત થતા ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે પણ આ દિકરીને મદદ કરીને માનવતા દર્શાવી છે.
મોરબીમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પ્રતિપાલસિંહ ઝાલાએ આજે બિમારી પીડીત માધુરીબેન સોલંકીને ઘરે જઈને રૂબરૂમાં ખબર અંતર પુછ્યા હતા. તેમજ પરિવાર પર આવી પડેલી અણધારી આફતમાં આ પરિવારને શક્ય બને તેટલી મદદ કરવા ખાત્રી આપી હતી. તેમજ આ દિકરીને પોતાનાથી બનતી જરૂરી આર્થિક મદદ કરીને મોરબી જિલ્લા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ તકે મોરબી જીલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર પણ દિકરીની મુલાકાત સમયે હાજર રહ્યા હતા. અને દિકરીને મદદ કરવા બદલ મોરબી જિલ્લા પોલીસનો આભાર માન્યો હતો અને હજુ વધુ નાણાંની જરૂર હોય વધુને વધુ લોકો મદદરૂપ બને તેવી અપીલ કરવામાં આવી છે.