Wednesday - Apr 29, 2026

મોરબીમાં પતિનું સગી બહેન માથું દબાવતી હોવા છતાં માઠું લાગી આવતા નવોઢાએ વખ ઘોળ્યું

મોરબીમાં પતિનું સગી બહેન માથું દબાવતી હોવા છતાં માઠું લાગી આવતા નવોઢાએ વખ ઘોળ્યું

મોરબી : મોરબીના ગાયત્રીનગરમા પતિની તબિયત સારી ન હોય પતિની સગી બહેન માથું દબાવતી હોવા છતાં આ બાબતનું માઠું લાગતા બે મહિના પહેલા જ પ્રેમલગ્ન કરનાર  પરિણીતાએ ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા યોગેશભાઈ મનસુખભાઇ ઝાલા ઉ.વ.29 નામના યુવાને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમની તબિયત સારી ન હોવાથી તેમની સગી બહેન ક્રિષ્ના તેમનું માથું દબાવતી હોય જે બાબત યોગેશભાઈના પત્ની પુનમબેન ઉ.19ને સારી નહિ લાગતા માઠું લાગ્યું હતું.બાદમાં પૂનમબેને જલ્લાદ નામની ઉંદર મારવાની દવા પી લેતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, મૃતક પૂનમબેને બે મહિના પહેલા જ યોગેશભાઈ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. નજીવી બાબતે આત્યંતિક પગલું ભરી લેનાર પરિણીતાના મૃત્યુથી અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.