મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોઠી ગામે ખેતી માટે અનોખી સમસ્યા બહાર આવી છે. જેમાં વાંકાનેર તાલુકાના કોઠી ગામે સિંચાઇની સુવિધાઓ છે. તેમ છતાં પણ ગામની 60 ટકા ધરતી વાંઝણી રહે છે. એટલે સિંચાઇમાંથી ગામની 60 ટકા ખેતીની જમીનને પાણી મળતું નથી.આથી પોષક તત્વોને કારણે ગામની જમીન બંજર બની જાય તેવી ગંભીર પરિસ્થિતિ ઉદભવી છે. આથી તમામ ગ્રામજનોને વરસાદની સાથે બીજા બે પાકો લઈ શકે તે માટે સિંચાઇની પૂરતી સગવડો આપવાની ગ્રામજનોએ માંગ કરી છે.
વાંકાનેર તાલુકાના કોઠી ગામના સરપંચ રોશનબેન શેરસિયાના જણાવ્યા મુજબ તેમનું ગામ રાજવી કાળ યુગનું જૂનું હોય હાલ ગામની વસ્તી આશરે 4400 અને આ વસ્તીનો મુખ્ય વ્યવસાય ખેતી અને મરઘા ઉછેરનો છે. આ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 1થી8ની સ્કૂલ, ગામની અંદરના રસ્તા 50 ટકા થઈ ગયા અને ભૂગર્ભ ગટર,લાઈટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. જ્યારે આ ગામમાં પીવાના પાણીની સમસ્યા છે.જેમાં એક ગામના છેડેથી મચ્છુ અને બીજે છેડેથી નર્મદાની લાઈન નીકળતી હોય વચ્ચે કોઠી ગામ આવી જતું હોય અને હાલ આ ગામમાં નર્મદાની લાઈન ચાલુ કરાવી છે. પણ એના લો પ્રેશરથી ઓછું એટલે અપૂરતું પાણી આવે છે. આ લાઈનનું કામ ચાલુ છે. પણ આ વિસ્તાર ઉંચો હોવાથી પાણી મળતું નથી. આ ગામને જોડતા અન્ય ગામના રસ્તાઓ ખખડધજ હોય આ કાચા રસ્તાઓને પાકા કરવાની ગામલોકોની માંગ છે. કચરા નિકાલ માટે યોગ્ય વાહનની વ્યવસ્થા કરવાની અને ગામની જાહેર જગ્યામાં ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી બાંકડાની વ્યવસ્થા કરવાની માંગણી છે.