Thursday - Apr 30, 2026

જમીન, મિલ્કત, બેન્ક બેલેન્સ ખાલી કરી દેવા છતાં વ્યાજખોરો ન ધરાતા અંતે હોટેલ સંચાલકે જીવ દીધો

જમીન, મિલ્કત, બેન્ક બેલેન્સ ખાલી કરી દેવા છતાં વ્યાજખોરો ન ધરાતા અંતે હોટેલ સંચાલકે જીવ દીધો

મરવા મજબુર કર્યાની સાત વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાતા હાલ પોલીસે ત્રણને દબોચી લીધા

મોરબી : મોરબી શહેર જિલ્લામાં ચામડાતોડ વ્યાજ વસુલતા વ્યાજખોરો આતંક મચાવી રહ્યાના અનેક બનાવો વચ્ચે મોરબીના હોટલ સંચાલકે વર્ષ 2019માં ધંધા માટે વ્યાજે લીધેલા રૂ.37.50 લાખના બદલામાં 75.40 લાખ ચૂકવી દેવા છતાં સાત વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી ધમકીઓ મારતા ગત તા.23 એપ્રિલે હોટેલ સંચાલકે પોતાના ઘેર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા આ ગંભીર બનાવમાં પોલીસે સાતેય વ્યાજખોર વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધારની કલમ મુજબ ગુન્હો દાખલ કરી ત્રણ વ્યાજખાઉં શખ્સોની ધરપકડ કરી છે.

મોરબીના આલાપ રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતા અને મોમ્સ હોટલ ચલાવતા નિરવભાઈ અશ્વિનભાઈ બોપલીયાના પિતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલીયાએ ગત તા.23 એપ્રિલના રોજ પોતાના ઘેર બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ ઘટનામાં તેમના પિતાને મરવા મજબુર કરનાર સાત વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, વર્ષ 2019મા ધંધામાં નાણાંની જરૂરત પડતા પિતા પુત્રએ મોરબી અને રાજકોટના સાત વ્યાજખોર પાસેથી અલગ અલગ રકમ ચાર ટકા વ્યાજથી લઈ 30 ટકા વ્યાજે 37.50 લાખ લઈ બદલામાં અત્યાર સુધીમાં 75.40 લાખ ચૂકવી આપવા છતાં વ્યાજખોરો સતત નાણાં વસૂલવા ધમકી આપતા હોય તેમના પિતાએ કંટાળી આપઘાત કરી લીધો હતો.

વ્યાજખોરીના આ બનાવમાં પોલીસે નીરવ બોપલીયાની ફરિયાદના આધારે આરોપી ઇમરાનભાઇ ગુલામભાઇ માડકીયા રહે.મોરબી, અજયભાઇ ભટ્ટ રહે.વાઘપરા, મોરબી, ગીરીરાજસિંહ ગોહીલ રહે. રાજકોટ, ભરત રબારી રહે.થોરાળા તા.જી.મોરબી, અજીતભાઇ જેસંગભાઇ રાઠોડ રહે.મોરબી ન્યુ હાઉસીંગ બોર્ડ, મોરબી, વિપુલ જેસંગભાઇ રાઠોડ રહે.નવલખી રોડ મોરબી અને આરોપી કિશનભાઇ રબારી મુળ ગામ મકનસર વાળા વિરુદ્ધ ગુજરાત નાણાં ધીરધારની કલમ તેમજ મરવા મજબુર કરવા અંગે બીએનએસ કાયદાની કલમ મુજબ ગુન્હો દાખલ કરી આરોપી કિશનભાઇ મનુભાઇ રાઠોડ, રહે. સીતારામ સોસાયટી ગોકુળનગર, મકનસર, લાલજીભાઇ ઉર્ફે ભરતભાઇ અણંદાભાઇ રાઠોડ, રહે. થોરાળા તા.જી.મોરબી અને ગીરીરાજસિંહ પ્રધ્યુમનસિંહ ગોહીલ, રહે. વિમલનગર, પુષ્કરધામ પાછળ, યુનિવર્સસીટી રોડ રાજકોટ વાળાની ધરપકડ કરી છે.

મૃતક અશ્વિનભાઈ અને ફરિયાદી નિરવભાઈએ વ્યજખોર ઇમરાન પાસેથી 12.50 લાખ રૂપિયા 4 ટકા વ્યાજે લઈ 50 લાખ ચૂકવી દઈ મકાનનું સોદાખત કરી આપ્યું હતું. જ્યારે અજય ભટ્ટ અને ગિરિરાજસિંહ પાસેથી 22 લાખ 5 ટકા વ્યાજે લઈ 18 લાખ ચૂકવ્યા હતા. આરોપી ભરત રબારી પાસેથી એક લાખ 20 ટકા વ્યાજે લીધા હતા જેમાં આરોપીએ કોરા ચેક પડાવી લીધા હતા. આરોપી વિપુલ રાઠોડ પાસેથી દોઢ લાખ 30 ટકા વ્યાજે લેતા આરોપીના ભાઈ અજિતે એક મોબાઈલ પડાવી લીધો હતો. દોઢ લાખના 2.40 લાખ ચૂકવી આપ્યા હતા.તેમજ આરોપી કિશન રબારી પાસેથી રોજના 800 વ્યાજે 50 હજાર લીધા હોય આરોપીએ 10 લાખનું લખાણ કરાવી કોરા ચેક લઈ લીધા હતા.અત્યાર સુધીમાં વ્યાજખોરોને વ્યાજ મુદલ ચૂકવવા મૃતક અશ્વિનભાઈ બોપલીયાએ બગથળા ગામની 11 વિઘા જમીન, સોના ચાંદીના દાગીના તેમજ બેન્ક બેલેન્સ ખાલી કરી દેવા છતાં વ્યાજખોરો ન ધરાતા અંતે વ્યાજખોરોથી કંટાળી આપઘાત કરી લીધી હતો.