સિરામિકના ધંધાર્થીએ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
મોરબી : મોરબી શહેર - જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે અને વ્યાજની પઠાણી ઉઘરાણીના અવાર નવાર બનાવ સામે આવી રહ્યા છે ત્યારે દલવાડી સર્કલ પાસે રહેતા સીરામીક વેપારીએ ધંધા માટે લીધેલા એક લાખના બદલે વ્યાજખોરને 4.88 લાખ રૂપિયા ચૂકવવા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી પિતા પુત્રને જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા મૂળ ખાનપર ઘુનડા ગામના વતની સિરામિક ટાઇલ્સના ધંધાર્થી ફરિયાદી ભરતભાઇ પ્રભુભાઇ ઘોડાસરાએ વર્ષ 2022માં પોતાના ધંધા માટે આરોપી પ્રકાશભાઇ મેપાભાઇ પીઠમલ રહે. દલવાડી સર્કલ, મોરબી વાળા પાસેથી 8 ટકા વ્યાજે રૂ. 1,00,000 લીધા હતા. આ રકમના બદલામાં આરોપીએ રૂ. 3 લાખનું નોટરી લખાણ અને ત્રણ કોરા ચેક પડાવી લીધા હતા. ફરિયાદીએ અત્યાર સુધીમાં વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ રૂ. 4,88,000 જેવી રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરની ભૂખ સંતોષાઈ ન હતી. વધુમાં આરોપી વ્યાજખોર પ્રકાશ પીઠમલે વધુ પૈસા પડાવવાના હેતુથી ફરિયાદીના પુત્ર ભવ્યને પણ ફોન કરી ગંદી ગાળો આપી વધુ વ્યાજ નહીં ભરે તો તેને માર મારવામાં આવશે. એટલું જ નહીં, ફરિયાદીને પણ બાકીની રકમ મુદ્દલ સાથે નહીં ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે આરોપી પ્રકાશ પીઠમલ વિરુદ્ધ IPC કલમ 386, 504, 506(2) તેમજ ગુજરાત નાણાની ધીરધાર અધીનિયમ-2011 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.