નવો 7 મીટરનો રોડ બનાવવામાં નડતરરૂપ દબાણો તોડી પડાયા
મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આજે બુધવારની દબાણ હટાવ ઝુંબેશમાં દલવાડી સર્કલથી પીએમ આવાસ સુધીના રોડનો વારો લેવામાં આવ્યો હતો. સવારથી મહાપાલિકાની ટિમ દ્વારા અહીં દબાણો તોડવાની કામગીરી કરવામાં આવી હતી.
મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત દર બુધવારે એક રોડનો વારો લઈ ત્યાં ખડકાયેલા દબાણો તોડવામાં આવ્યા હતા. ત્યારે આજ રોજ મહાપાલિકા દ્વારા મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને નાયબ કમિશનર સંજય સોનીની આગેવાનીમાં દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ સુધીના રોડ પર દબાણ હટાવ ઝૂંબેશ સવારથી શરૂ કરવામાં આવી હતી. જેમાં 2 દુકાનો, 12 ઓરડીઓ, 5 દુકાનોના ઓટલા, 20 ઝૂંપડાઓ અને એક દીવાલ તોડવામાં આવ્યા હતા.સાંજ સુધીમા આ રોડ ઉપર દબાણ હટાવવાનું કામ પૂર્ણ થઈ જતા સ્ટેશન રોડ અને સામાકાંઠે રીલીફનગરમાં પણ જેસીબી ચલાવવામાં આવે તેવું જાણવા મળ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી 7 મીટર પહોળો રોડ બની રહ્યો છે. આ રોડની વિઝિટ દરમિયાન દબાણો નડતરરૂપ હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી આ દબાણો હટાવવાની આજે કામગીરી કરવામાં આવી છે અને રોડને અડચણરૂપ તમામ દબાણો ઉપર જેસીબી ફેરવી દબાણો દૂર કરીને રોડ પહોળો કરી દેવામાં આવ્યો હતો.