પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકોએ બેનરો સાથે દેખાવો કરી કલેકટર આવેદન આપ્યું
મોરબી : રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ દ્વારા 23 ઓગસ્ટ 2010 ના રોજ TET સંબંધિત અધિસૂચના જાહેર કરવામાં આવી હતી. તાજેતરમાં 29 મે 2026 ના રોજ સુપ્રીમ કોર્ટે પણ આ અંગે અગાઉના ચુકાદાને યથાવત રાખ્યો છે. જેના પરિણામે વર્ષ 2010 પહેલાં કાયદેસર રીતે નિમણૂક પામેલા શિક્ષકોની નોકરી અને ભવિષ્ય અંગે અસુરક્ષા અને વ્યથા ઊભી થઈ છે. તેથી મોરબીમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં શિક્ષકોએ બેનરો સાથે દેખાવો કરી વડાપ્રધાન અને શિક્ષણ મંત્રીને સંબોધીને કલેકટરને આવેદન આપી 2010 પહેલાં નિમણૂક થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી કાયમી મુક્તિ આપવાની માંગ કરી છે.
વર્ષોથી ફરજ બજાવતા શિક્ષકોની નિમણૂક થઈ ત્યારે TET ની કોઈ જોગવાઈ ન હતી. 2010 પછીના નિયમો આ શિક્ષકો પર લાગુ કરવાથી તેમની નોકરીઓ જોખમમાં મુકાઈ છે. આથી વડાપ્રધાન આ બાબતે હસ્તક્ષેપ કરે અને શિક્ષકોને TET માંથી મુક્તિ આપી 'અભય વચન' આપે તેવી માંગ સાથે હજારોની સંખ્યામાં એકઠા થઈને આવેદન આપ્યું હોવાનું પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું હતું.
મહાસંઘના મહિલા ઉપાધ્યક્ષ કિરણબેન આદ્રોજાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ 2028 સુધીમાં શિક્ષકોએ TET પાસ કરવાની રહેશે. પરંતુ જે શિક્ષકો અગાઉ મેરિટના આધારે નોકરી મેળવી ચૂક્યા છે અને વર્ષોથી ફરજ બજાવે છે, તેઓ હવે શા માટે પરીક્ષા આપે?. આ બાબત શિક્ષકોના સન્માન પર ઘા સમાન છે. શિક્ષણ વિભાગમાં 60 ટકા મહિલાઓ અને 40 ટકા પુરુષો ફરજ બજાવે છે. જો આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહીં આવે તો શિક્ષકો દ્વારા દિલ્હી સુધી લડત ચલાવવાની તૈયારી દર્શાવવામાં આવી છે.