Saturday - May 02, 2026

મોરબી જિલ્લામાં ખેડૂતોને પાકના નુકશાનનું વળતર ચૂકવવા આર્થિક રાહત પેકેજ તાત્કાલીક જાહેર કરવાની માંગ

મોરબી જિલ્લામાં ખેડૂતોને પાકના નુકશાનનું વળતર ચૂકવવા આર્થિક રાહત પેકેજ તાત્કાલીક જાહેર કરવાની માંગ

કપાસ, મગફળીની સાથે પશુઓનો ઘાસચારો પણ નાશ પામ્યો, સાંસદની મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : મોરબી જિલ્લા તેમજ માળીયા, ટંકારા અને વાંકાનેર તાલુકામાં તાજેતરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટું નુકશાન થયું છે. ખાસ કરીને કપાસ અને મગફળીના પાકનો સોથ વળી ગયો છે. આથી ખેડૂતો મોટી મુસીબતમાં મુકાય ગયા છે. તેથી મોરબી જિલ્લામાં માવઠાથી ખેડૂતોને પાકમાં થયેલા નુકશાનીનું વળતર ચૂકવવા માટે આર્થિક રાહત પેકેજ તાત્કાલીક જાહેર કરવાની માંગ સાથે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજુઆત કરી છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડેલા કમોસમી ભારે વરસાદના કારણે મોરબી જિલ્લા તેમજ વાંકાનેર તાલુકાના ગામોમાં ખેડૂતોનો તૈયાર પાક પલળી જઈ નિષ્ફળ ગયો છે. તેમજ ખેતરોમાં ઉભા પાકને પણ ખૂબ જ નુકશાન થયું છે. આ કમોસમી વરસાદના કારણે મોટા ભાગના ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયો હોય, જેનાથી ખેડૂતોને ખૂબ જ નુકશાની થઈ છે. મોરબી જિલ્લા તેમજ વાંકાનેર તાલુકામાં કપાસ મગફળી એરંડા બાજરી કઠોળ સહિતની ખેતી કરવામાં આવે છે. જેમાંથી મોટાભાગના ખેડૂતોએ મગફળીનો પાક ઉપાડી લીધો હતો અને ખેતરમાં પાથરા કર્યા હોય તેમજ કપાસનો પાક પણ સંપૂર્ણ કમોસમી વરસાદ વરસતા તમામ પાકો નિષ્ફળ ગયો છે. ચાલુ માસમાં આવેલ સતત કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન થયું છે તેમજ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોય અને પશુઓ માટેના સુકા ઘાસચારા પણ પલળીને નાશ પામ્યા છે, જેના કારણે ખેડૂતોનું આર્થિક બજેટ ખોરવાઈ ગયું છે. આથી હાલના કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકશાની અંગનો સર્વે કરાવી ખેડૂતોને થયેલા પાક નુકશાની માટે ખાસ આર્થિક રાહત પેકેજ તાત્કાલીક જાહેર કરવાની તેઓએ માંગ કરી છે. જ્યારે મોરબી-માળિયા તાલુકામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોને આ નુકસાનીનું વળતર ચૂકવવા મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને વાધરવાના પૂર્વ સરપંચ નરેન્દ્રસિંહ જી. જાડેજા (હરદેવસિંહ જાડેજા)એ કલેકટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલમાં થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને કપાસ, મગફળી વગેરે પાકોમાં ભારે નુકસાન થયું છે. તેથી સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને ઝડપથી વળતર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં ખેડૂતોને પાકના નુકશાનનું વળતર ચૂકવવા આર્થિક રાહત પેકેજ તાત્કાલીક જાહેર કરવાની માંગ