પોતાની મનો દિવ્યાંગ પુત્રીને બાલમંદિરમાં જાકારો મળતા માતાએ પુત્રી સહિતના વિશિષ્ટ બાળકોનું જતન કરવા જાતને સમર્પિત કરી
પ્રખર સાહિત્યકાર ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ નવલિકા "લોહીની સગાઈ"માં સમાજ અને કુટુંબના અપમાનના કડવા ઘુંટડા સહન કરીને પણ મનો દિવ્યાંગ પુત્રી મંગુની રાત દિવસ જોયા વગર સેવાચાકરી કરી જાતને સમર્પિત કરનાર માતા અમરતકાકીનું પાત્ર અમર થઈ ગયું છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેમના કરતાં પણ મોરબીના રવાપર રોડ ઉપર આવેલા સુભાષનગરમાં રહેતા આર્થિક રીતે સુખી સંપન્ન દુર્ગાબેન કૈલા મમતામયી લાગણી દર્શાવવામાં એક ડગલું આગળ વધી સવાયા સાબિત થયા છે. દુર્ગાબેને પોતાની દિવ્યાંગ પુત્રી જ નહીં આવા અન્ય ઈશ્વરની ભેટ સમાન વિશિષ્ટ બાળકોનું જીવન બહેતર બનાવવા 20 વર્ષથી જે સંઘર્ષ કર્યો છે એ સમાજ અને ખાસ કરીને માતાઓ માટે મિશાલરૂપ બન્યો છે. જેમાં વર્ષ 1991માં તેમની પુત્રી નેહાનો જન્મ થયો હતા. પરંતુ થોડા સમય જ તેનું વર્તન કે વાણી અન્ય નોર્મલ બાળક જેવી ન હોવાથી ડોક્ટરને બતાવવા ગયા ત્યારે પુત્રી 80 થી 90 ટકા માનસિક રીતે દિવ્યાંગ હોવાની ખબર પડી હતી. પછી તો પુત્રીની માનસિક હાલત સુધારવા અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતની મોટી સીટીની મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યારે મોટા મોટા મગજના ડોકટરો અને મનોચિકિત્સકોએ તમારી પુત્રીની માનસિક ક્ષમતા સુધરી શકે એમ.ન હોય એનું મગજ શાંત રહે અને વર્તન સામાન્ય બને તેવા પ્રયાસો કરવાની સલાહ આપી હતી. બૌદ્ધિક ક્ષમતા જ ન હોવાથી ભણી શકે એમ ન હોય પણ વર્તન નોર્મલ થાય તે માટે નેહા થોડી મોટી થતા બે ત્રણ બાલ મંદિરમાં મૂકી હતી. પણ થોડા દિવસોમાં ત્યાંથી જાકારો મળ્યો આમ છતાં તેઓ હતાશ થયા વગર કે આઘાતથી ભાંગી પડવાને બદલે મનોમન દ્રઢ નિશ્ચર્ય કર્યો કે મારી પુત્રીનું ભવિષ્ય અંધકારમય બનવા નહિ દવ, એને જીવન જીવવા માટે બીજા ઉપર નિર્ભર રહેવા નહિ દવ.તેવા દ્રઢ સંકલ્પૅ વર્ષ 2004 મનો દિવ્યાંગ શાળા શરૂ કરાવી હતી. જેમાં તેમની પુત્રી સહિત 40 મનો દિવ્યાંગ બાળકોને દરરોજ ચાર કલાકનું સામાન્ય જ્ઞાન આપે છે. આ બાળકો જાતે જ દિનચર્યા કરે અને મનગમતી પ્રવૃત્તિઓ કરે તેમજ ખાસ માનસિક આવેગો પર કાબુ મેળવવાનું પદ્ધતિસરનું જ્ઞાન આપે છે. આ રીતે દુર્ગાબેન પોતાની પુત્રી જ નહીં 40 બાળકોના ખરા અર્થમાં માતા બનીને એમનો સર્વાંગી વિકાસ થાય તે માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી છે.
પોતે અને સ્ટાફે પણ તાલીમ લઈને શાળા શરૂ કરી
દુર્ગાબેનની બાજુમાં રહેતા એક બહેનનું બાળક પણ મનો દિવ્યાંગ છે. એટલે આ બહેન પોતાના બાળકનું વર્તન સુધારવા જૂનાગઢની મનો દિવ્યાંગ શાળામાં ગયા હતા. આથી દુર્ગાબેન પણ તેમની સાથે જઈને મનો દિવ્યાંગ શાળામાં મહિનાઓ સુધી સઘન તાલીમ લીધી હતી. પછી જ એમણે મોરબીમાં આવીને મનો દિવ્યાંગ શાળા શરૂ કરી હતી. ત્યારબાદ અન્ય પાંચ મહિલા સ્ટાફને પણ જુનાગઢની મનો દિવ્યાંગ શાળામાં તાલીમ લેવડાવી હતી. જો કે આ પાંચમાંથી ત્રણ મહિલા અહીં જ ભણતા દિવ્યાંગ બાળકોના માતા છે. આ 20 વર્ષથી તેઓ સહિત પાંચ મહિલાઓ આ વિશિષ્ટ બાળકોનું ભવિષ્ય સુધારવા કમર કસી રહ્યા છે.
પહેલા એક ઓરડૉ હવે મોટું મકાન મળ્યું
દુર્ગાબેને ધાત્રીબેન સંદીપભાઈ ઠાકર નામના મહિલાનો પુત્ર પણ મનો દિવ્યાંગ હોવાથી તેમના ઘરના એક ઓરડામાં શાળા શરૂ તો કરાવી, પણ સંખ્યા વધતી જતી હોવાથી ઓરડો ટૂંકો પડવા લાગ્યો.ત્યારે સેવાભાવી પ્રદીપભાઈએ પોતાનું મકાન આ શાળા માટે ફાળવી દીધુ હતું. પરંતુ કરોનાકાળથી જ આ માં મંગલ મૂર્તિ મનો દિવ્યાંગ શાળાને બોયઝ હાઈસ્કૂલમાં શિફ્ટ કરવી પડી છે. જો કે શરૂઆતમાં આ શાળા માટે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પણ તેમની સેવાની સુવાસ સમાજમાં અગરબત્તીની જેમ પ્રસરતા નામની ઘેલછા વગર અનેક લોકો દાન આપી જતા હોવાથી હવે આ દાનમાંથી રોજ બાળકોને નાસ્તો તેમજ સ્ટાફને પગાર ચૂકવાય છે.
બાળકોના માનસિક આવેગો શાંત થયા
દુર્ગાબેન કહે છે કે, માનસિક રીતે ક્ષતિગ્રસ્ત આવા બાળકોની સમાજ અવગણના કરે એ યોગ્ય નથી. એટલે જ પ્રથમ તો અમે આ મનો દિવ્યાંગ બાળકોના માનસિક આવેગો શાંત પાડવાની કોશિશ કરીએ છીએ. એમાં સુધારો થાય બાદ ચિત્રકામ, વિવિધ રમતો સહિત એને જે જે મનગમતી પ્રવૃત્તિઓ હોય તે કરાવીએ છીએ. આ બાળકો જીંદી હોય એટલે એમના મનને ઠેસ પહોંચે એવું ક્યારેય વાણી કે વર્તન કરતા જ નથી. આ બાળકોને ખરેખર સાચા પ્રેમ અને હુંફની જરૂર હોય છે. આ રીતે સામાન્ય જ્ઞાન આપતા અમારી શાળાના તમામ બાળકો ખાનપાન, કપડાં પહેરવા, કોની સામે કેવી રીતે બોલવું, બાથરૂમ, ઉઠવા બેસવા સહિતની દિનચર્યા જાતે જ કરતા થઈ ગયા છે.