Wednesday - May 06, 2026

મોરબીમાં રિક્ષા ચાલકને અકસ્માત વીમો ન ચૂકવનાર વીમા કંપનીને ગ્રાહક અદાલતની લપડાક

મોરબીમાં રિક્ષા ચાલકને અકસ્માત વીમો ન   ચૂકવનાર વીમા કંપનીને ગ્રાહક અદાલતની લપડાક

 મિતાણાના રિક્ષાચાલકની રિક્ષાને અકસ્માતમાં નુકસાની થઈ હોય, તમામ કાગળો જમા કરાવવા છતાં વીમા રકમ ચુકવવાની મનાઈ કરતી વીમા કંપનીને ગ્રાહક અદાલતે ફીટકારીને વ્યાજ સાથે રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ કેસની વિગત એવી છે કે, મિતાણાના વતની મોહનભાઈ ખીમાભાઈ સોલંકીની રીક્ષા નં. જીજે ૩યુ ૬૧૭૧ના રીક્ષા ચાલક કેતનભાઈ ટંકારાથી મિતાણા આવતા હતા ત્યારે શીવ પેલેસ હોટલ પાસે કેતનભાઈએ રીક્ષા પરથી કાબુ ગુમાવતા ત્યાં ઉભેલા ટ્રક સાથે રીક્ષા ભટકાવેલ હતી. જેથી કેતનભાઈને માથામાં અને વિશાલભાઈને પગમાં ઈજા થયેલ હતી. રીક્ષાને રૂા. પર,૦૦૦/-નું નુકશાાન થયેલ હતું. મોહનભાઈએ વિમાના તમામ કાગળો સમય મર્યાદામાં શ્રીરામ જનરલ ઈન્સ્યુરન્સમાં આપી દીધેલ હતા. પણ રાબેતા મુજબ વિમા કંપનીએ વિમાની રકમ આપવાની ના પાડી દીધેલ હતી. બાદમાં મોહનભાઈએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ અને અદાલતે વિમા કંપનીની કોઈ વાત માન્ય રાખી નહીં અને મોહનભાઈએ રીક્ષાના ખર્ચના બીલ આપેલ તે મુજબ રૂા. ૪૨,૩૨૫/– તેમજ રૂા. ૫૦૦૦/- અન્ય ખર્ચના ૬% ના વ્યાજ સાથે તારીખ ૩૧-૦૮-૨૦૨૩ થી ચુકવવાનો અદાલતે વિમા કંપનીને હુકમ કરેલ છે.